સુરેન્દ્રનગરઃ જિલ્લામાં બુધવારે દુધરેજ નગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારી રાયચંદભાઈ મારુડાનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હતું. મોત થતાં પરિવારજનોનો આક્ષેપ હતો કે તેમનો પગાર ન થવાને કારણે માનસિક ટેન્શને લીધે હાર્ટ એટેક આવ્યો હતો. પરિવારજનો તેમજ સમાજના આગેવાનોએ સુરેન્દ્રનગર નગરપાલિકામાં પરિવારજનોને રોજમદાર કર્મચારી તરીકે નિમણૂક આપવામાં આવે તેવી માંગ કરી હતી.
સુરેન્દ્રનગરમાં સફાઈ કર્મચારીનું હાર્ટ એટેકના કારણે મોત, પગાર ન મળતા એટેક આવ્યો હોવાનો પરિવારનો આક્ષેપ - today news
સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઝ પર સફાઈ કર્મચારીઓને છેલ્લા ત્રણથી પાંચ મહિના સુધી પગાર ન મળ્યો હોવાને કારણે પરેશાન થઈને કામગીરી બંધ કરી દીધી હતી. તેમજ તેમણે પગાર ન ચૂકવાય ત્યાં સુધી કામગીરી ન કરવાનો નિર્ણય લીધો હતો.
![સુરેન્દ્રનગરમાં સફાઈ કર્મચારીનું હાર્ટ એટેકના કારણે મોત, પગાર ન મળતા એટેક આવ્યો હોવાનો પરિવારનો આક્ષેપ Surendranagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7966176-1000-7966176-1594354503386.jpg)
આ મામલે તેઓની માંગ ન સ્વીકારતા નગરપાલિકાના કમ્પાઉન્ડમાં સમાજના આગેવાનો અને પરિવારજનોએ પોતાની માંગને પૂરી કરવા રજૂઆત કરી હતી. તેમજ કલાકોની વાટાઘાટો બાદ પાલિકા તંત્ર દ્વારા નિયમ અનુસાર તેમજ તેમના તરફથી તેઓના પરિવારને તમામ પ્રકારની સહાય અને મદદ આપવાની ખાતરી આપતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો.
સમાજના આગેવાનો મયુરભાઈ પાટડિયાએ તેઓની રજુઆત માન્ય રાખી હોવાનું જણાવ્યું હતું. નગરપાલિકાના ચિફ ઓફીસરે જે ઘટના બની છે તે અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સાથે જ જે એજન્સી દ્વારા પૈસા ચૂકવવામાં નથી આવ્યા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ મૃત્યુ પામેલા કર્મચારીને તમામ પ્રકારની મદદ કરવાની અને પરિવારને સાથ સહકાર આપવાની વાત કરી હતી.