સુરેન્દ્રનગરઃ જિલ્લાના ધ્રાંગધામાં સોડા એશ બનાવતી ફેક્ટરીમાં છેલ્લાં 70 દિવસથી કેટલાક કામદારો હડતાળ ઉપર છે. આ કામદારોને કાયમી કરવામાં નહીં આવતાં હોવાથી અને નવી ભરતીમાં પણ તેમનો સમાવેશ નહીં કરવાથી હડતાળ ઉપર બેઠાં છે. ત્રણ કામદારોએ થોડાક દિવસ અગાઉ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અગાઉ બચી ગયાં હતાં. આજે 10 જેટલા હડતાળ કરી રહેલા લોકોએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ સંદર્ભે કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પ્રતિક્રિયા આપી હતી.
સુરેન્દ્રનગરમાં કામદારોને રોજગારી માટે ઝેરી દવા પીવી પડે તે કમનસીબ: નૌશાદ સોલંકી
કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ સુરેન્દ્રનગરમાં એક સોડાએશ કંપનીના કામદારોની હડતાળ, ભરતીની સમસ્યા અને ઝેરી દવા પીવાના મામલામાં પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, કામદારોને રોજગારી માટે ઝેરી દવા પીવી પડે તે કમનસીબ બાબત છે.
રાજ્યમાં પોતાના હક માટે આંદોલન કરવા પડે છે. ત્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધામાં એક કંપનીમાં કાયમી કરવા માટે કર્મચારીઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું હતું. અગાઉ તેમણે મુંડન પણ કરાવ્યું છે. 70 દિવસથી અર્ધનગ્ન અવસ્થામાં તેઓ હડતાળ પર હોવા છતાં પણ ફેક્ટરી અને યુનિયન દ્વારા તેમની માગણી અંગે કોઈ સંતોષકારક કાર્યવાહી ન કરવામાં આવતા 10 જેટલા કામદારોએ ઝેરી દવા ખાઈ લીધી છે.
ઝેરી દવા પી લેનાર કામદારોને હોસ્પિટલ લઈ જવા માટે ફેક્ટરીના વાહનો પણ માલિક દ્વારા આપવામાં આવ્યાં ન હતાં. આ કામદારોને પોલીસના વાહનમાં સુરેન્દ્રનગર દવાખાનામાં લઇ જવામાં આવ્યાં છે. આ અંગે મેં જિલ્લા કલેકટર અને પોલીસવાળાને જાણ કરી હતી. તકેદારી રાખવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું તેમ છતાં તંત્ર નિષ્ફળ ગયું હોય તેવું મને લાગી રહ્યું છે. દલિત કામદારોને ગુજરાતમાં એક કામ માટે આવા આંદોલનો કરવા પડે તે કમનસીબી છે.