સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના સૌકા ગામે ચાલતા જુગારધામ નેટવર્કના મામલે વધુ ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના સૌકા ગામે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને 03 મેના રોજ દરોડા પાડી અને ચાલતા જુગાર ઉપર 38 જેટલા જુગારીની અટકાયત કરી અને અંદાજે રૂપિયા 27 લાખ રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને રેઇડ પાડવામાં આવી હતી. આ મામલે ગુજરાતમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી જુગાર રમવા લોકો ત્યાં આવતા હોવાનો ખુલાસો થયો હતો.
પોલીસ ફંડ લઈ જતી હોવાનો આક્ષેપ : આ મામલે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે જુગાર સંચાલક નવદીપ સિંહ દ્વારા પોલીસ વિભાગની કામગીરી સામે સવાલો ઊભા કરવામાં આવ્યા હતાં. છેલ્લા બે વર્ષથી જુગાર ચાલતો હોવા છતાં પણ પોલીસ રેઇડ કરી ન હતી. પોલીસ દર મહિને 12 લાખ રૂપિયાનો હપ્તો લઈ જતી હોવાનો અને અન્ય પોલીસ કાર્યક્રમોમાં પણ પોલીસ ફંડ લઈ જતી હોવાનો આક્ષેપ કરાયો હતો.
આ મામલે વધુ તપાસ હાથ ધરી અને જે જુગાર સંચાલક છે તેની સાથે સંકળાયેલા પોલીસ કર્મીઓની તમામ પ્રકારની વિગતો મેળવવામાં આવી છે. ત્યારે આ પ્રકરણમાં વધુ ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાં સાયલા પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા પુષ્પરાજભાઈ ધાંધલ તેમજ ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અમરસિંહ તેમજ પાટડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સહદેવસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે...હિમાંશુભાઈ દોશી (સુરેન્દ્રનગર ઇન્ચાર્જ પોલીસ વડા)
જુગારધામ સંચાલકનો આક્ષેપ : આ ઉપરાંત સુરેન્દ્રનગર એસઓજી પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઇએ જુગારની રેઇડ દરમિયાન ફાયરિંગ કર્યા હોવાનું અને માર માર્યો હોવાના પુરાવા પણ જુગારધામ સંચાલક નવદીપસિંહ દ્વારા આપવામાં આવ્યા હતાં. જોકે આ રેઇડ પડી તે દરમિયાન લીંબડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિત નવ જેટલા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.