સુખીબેન મેણીયાનું કોંગો ફિવરથી મોત થયું હોવાને કારણે આરોગ્ય તંત્ર પણ એલટૅ થઈ ગયુ છે. સાથો સાથ જામડી ગામે પણ સાવચેતીના ધોરણે પગલા લેવામાં આવ્યા છે. 20 ઓગસ્ટે લીંબડી તાલુકાના જામડી ગામે બે મહિલાઓના ડેંગ્યુના કારણે મોત નીપજ્યાં હોવાની ચર્ચાને કારણે ચકચાર મચી ગઈ હતી. જ્યારે તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા બન્ને મહિલાઓના ડેંગ્યુ રિપોર્ટ નેગેટીવ હોવાનું જણાવ્યું હતું.
કોંગો ફિવરથી વધુ એકનું મોત, આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં - આરોગ્ય તંત્ર
સુરેન્દ્રનગર: જિલ્લાના લીંબડી તાલુકાના જામડી ગામના 75 વર્ષીય સુખીબેન કરશનભાઈ મેણીયાને સામાન્ય તાવ કારણે સુરેંન્દ્રનગર સીજે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ વધારે તબિયત ખરાબ થતા તારીખ 20 ઓગસ્ટે તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદની એસ.વી.પી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. રાજ્યમાં કોંગો ફિવરથી મોતનો પ્રથમ કિસ્સો સામે આવતા રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે.
જામડી ગામના સુખીબેન કરશનભાઈ મેણીયા અને લીલાબેન વામાભાઈ સિંધવની તબિયત લથડતા બન્નેને સારવાર અર્થે સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સી.યુ.શાહ હોસ્પિટલમાં 20 ઓગસ્ટે સવારે 7:30 કલાકે સારવાર દરમિયાન લીલાબેન સિંધવનું મૃત્યુ થયું હતું. જ્યારે સુખીબેન મેણીયાને પ્રાથમિક સારવાર આપી અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં મોડી રાત્રે સુખીબેનનું પણ મોત થયું હતું. પૂણેની વાઈરોલોજી લેબોરેટરીમાં રિપોર્ટ મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટ પોઝિટિવ આવતા કોંગો ફિવરથી સુખીબેનનું મોત થયું હોય તેવું જાણવા મળ્યું છે.
હાલ આરોગ્ય વિભાગ દ્રારા દવાઓ અને માગદર્શન આપવામાં આવી રહ્યા છે. પરંતુ ગામમાં ઠેર ઠેર ગંદકી અને પાણી ભરાયેલા જોવા મળે છે જેને લઈને રોગચાળો ફેલાવાનો ભય રહેલો છે. જેને દૂર કરવાની કામગીરી તંત્ર કરતી નથી.
એક ગામમાં જ લીલાબેનનુ પણ શંકાસ્પદ તાવને કારણે મૃત્યુ થતા આરોગ્ય તંત્ર સફાળુ જાગ્યું છે. સાથે ગ્રામ પંચાયતને ગંદકી અને ઉકરડા દુર કરવા સૂચના આપવામાં આવી છે. હાલ આરોગ્ય વિભાગ તમામ પ્રકારની પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને લોકોને માગદર્શન પણ આપવામાં આવી રહ્યુ છે.