ભીંત ચિત્રો નહીં એમના મગજના ચિત્રો હટાવવા જોઈએ સુરેન્દ્રનગર : સાળંગપુર હનુમાન મંદિરના ભીંત ચિત્રોનો વિવાદ ભારે ગરમાગરમી સર્જીને આખરે પૂર્ણ થયો છે. સ્વામિનારાયણ મંદિરના પ્રશાસન દ્વારા આ વિવાદિત ભીંત ચિત્રો હટાવી લીધા છે. પરંતુ આ મામલો હજુ શાંત થયો નથી. સનાતન ધર્મના સંતો, મહંતો હજુ પણ લડી લેવાના મૂડમાં છે. ત્યારે લીંબડી ખાતે સંત સંમેલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંત, મહંત અને સાધુઓ જોડાયા હતા. સંત સંમેલનમાં 12 મુદ્દા માટે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ જુનાગઢ ખાતે 10 દિવસ બાદ સંતોની બેઠક યોજાશે. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી, જૂનાગઢના શેષનાથ બાપુ, સાયલાના દુર્ગા બાપુ, બળવાળા મંદિરના મહંત, સંતો ઉપસ્થિત રહ્યા હતા.
સંત સંમેલન : આ અંગે મહંત લલિતકિશોર દ્વારા માહિતી આપવામાં આવી હતી. તેઓએ જણાવ્યું કે, સંતો, મહંતો અને મહામંડલેશ્વરોની લડત બાદ એમણે ભીંત ચિત્રો હટાવી લીધા છે. પણ હું કાયમ એક શબ્દ કહું છું કે, ભીંત ચિત્રો નહીં એમના મગજના ચિત્રો હટાવવા જોઈએ. બીજા અનેક મંદિરોમાં આડેધડ લખાણ લખેલા છે, ભીંત ચિત્રો લગાવેલા છે અથવા એવી મૂર્તિઓ બનાવેલી છે. જેમાં શિવજી પૂજા કરતા હોય, કે પાર્વતી પૂજા કરતા હોય, એવું લખેલું છે કે લક્ષ્મીજી દાસી છે. આ બાબતે ઉગ્ર વિરોધ ચાલુ છે.
અમદાવાદમાં પણ વિરોધ ચાલુ છે. સર્વત્ર વિરોધ ચાલુ છે. એ વિરોધ ચાલુ જ રહેશે. કારણ કે, નાથ સંપ્રદાયની પરંપરા જગતમાં સૌથી જૂની પરંપરા છે. આવી પરંપરાને અસર કરનારાને અમે ક્યારેય માફ કરતા નથી. તમે કાન ફટ્ટા એટલે શું સમજો છો, અમે કાન ફાડીએ છીએ, અમે કાનમાં કુંડળ પહેર્યા છે, પણ બીજાના ફાડીએ છીએ એ પણ યાદ રાખજો. -- લલિતકિશોર (મહંત, મોટા મંદિર લીંબડી)
વિરોધીઓ પર પ્રહાર : તેઓએ વધુમાં જણાવ્યું કે, ગઈકાલે જે એનું સમાધાન થયું એ સમાધાન કરનારા આ લડાઈમાં સામેલ જ નહોતા. આમાં અમારો વિરોધ વિશ્વ હિન્દુ પરિષદ સાથે નથી. પણ આ બાબતે રાજકીય રોટલા શેકનારા પણ છે. સરકારનો પણ વિરોધ નથી, પણ સરકારનો દુરુપયોગ થાય છે એનો વિરોધ છે. આજે જે સંતો ભેગા થયા છે. એ એટલા સક્ષમ છે કે, સરકારને એમની જરૂર પડે છે. સંતોને સરકારની જરૂર નથી. અમે લોક જાગૃતિના અભિયાનો કરીએ છીએ. અમે તળિયાના લોકો સુધી પહોંચીએ છીએ. ત્યારે સમાજમાં વ્યાપારીકરણ અપનાવતા આ સંપ્રદાયને સબક શીખવાડવાનો વારો આવી ગયો છે.
લડાઈ ચાલુ રહેશે ? મૂળભૂત 12 મુદ્દા સાથે આજે બીજા મુદ્દા ચર્ચાયા છે. અમે નાથ સંપ્રદાય છીએ. અમારું અપમાન થયું એની રાજકોટ અને સાવરકુંડલામાં પણ લડાઈ ચાલુ છે. જુનાગઢમાં પણ લડાઈ ચાલુ કરી છે. કચ્છ અને દેત્રોજમાં પણ લડાઈ ચાલુ કરાઈ છે. મોટા મંદિરના મહંત લલિતકિશોર સ્વામીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ દ્વારા હનુમાનજીના ભીંત ચિત્રને લઈ સંતોની બેઠક યોજાઈ હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ આવું બીજી વાર ન કરે તે માટે બેઠક યોજાઈ હતી. આગામી સમયમાં જૂનાગઢ ખાતે સંત સંમેલન યોજાશે.
- Nath Sect VS Swaminarayan Sect : ગેબીનાથ વિશે વડતાલના બ્રહ્મસ્વરૂપ સ્વામીની વિવાદાસ્પદ ટિપ્પણી, નાથ સંપ્રદાય દ્વારા વિરોધ
- Surat News: ગોરખનાથ સંપ્રદાયે સ્વામિનારાયણ સંપ્રદાય વિરૂદ્ધ આપ્યું આવેદન પત્ર, ગેબીનાથ જેવા સિદ્ધ પુરુષનું અપમાન નહીં સાંખી લેવાય