રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ સરકારી વિભાગોમાં નોકરીઓ મેળવવા માટે રાજ્યવ્યાપી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં બિનસચિવાલય ક્લાર્કની ખાલી પડેલી જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ પરીક્ષા કેન્દ્રોમાં અંદાજે 43,000 થી વધુ ઉમેદવારોએ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા. શહેરની શ્રી એમ. પી. શાહ કોમર્સ કોલેજ ખાતે ત્રણ ચાર બ્લોકમાં પહેલાથી જ પેપરના બંચના સીલ ખુલેલી હાલતમાં હોય 200 થી વધુ ઉમેદવારોએ પરીક્ષાનો બહિષ્કાર કરી હોબાળો કર્યો હતો અને પરીક્ષા રદ્દ કરી જવાબદાર સુપરવાઈઝર સહિત પરીક્ષા કેન્દ્રના સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
સુરેન્દ્રનગર: બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મુદ્દે NSUIએ કલેક્ટરને આવેદન આપ્યું
સુરેન્દ્રનગર: જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં બિનસચિવાલય કલાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ હતી. જેમાં સુરેન્દ્રનગર શહેરની એમ.પી. શાહ કોમર્સ કોલેજ પરીક્ષા કેન્દ્રમાં ત્રણ થી ચાર બ્લોકમાં પેપરના સીલ પહેલેથી તૂટેલા હોવાના આક્ષેપ સાથે ઉમેદવારોએ હોબાળો કર્યો હતો. જે મામલે NSUIના વિદ્યાર્થી સંગઠન તેમજ ઉમેદવારોએ રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.
ઉમેદવારોએ પરીક્ષામાં ગેરરીતિના આધાર પુરાવા સાથે રજૂઆતો કરવા છતાં કોઈ જ પગલાં લેવામાં ન આવતા NSUI વિદ્યાર્થી સંગઠન તેમજ ઉમેદવારોએ શહેરના આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી રેલી યોજી આવેદન પત્ર પાઠવ્યું હતું. કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ સહિત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આસિત વોરા સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને પરીક્ષા રદ કરી તમામ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વિદ્યાર્થીઓએ યોગ્ય ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.