સુરેન્દ્રનગર જિલ્લામાં જાણે પોલીસનું અસ્તીત્વ જ ના હોય તેમ જિલ્લો ગુનાખોરીનુ હબ બની ગયો છે. જિલ્લામાં લૂંટ, હત્યા, મારામારી, જૂથઅથડામણ જેવા બનાવો સામાન્ય બની રહ્યા હોય છે. ત્યારે ગત તારીખ 12/12/2019ના રોજ અમદાવાદની રાજેશ નારાયણ આંગડીયા પેઢીનો માણસ એસ.ટી. બસમાં બેસી અંદાજે રૂપિયા એક કરોડના રોકડ સહિતનો થેલો લઇ અમદાવાદથી રાજકોટ જવા રવાના થયો હતો, ત્યારે લીંબડી નજીક નંદનવન હોટલ પર બસ ચા પાણી માટે ઉભી રહી તે દરમિયાન કોઇ અજાણ્યા શખ્સો તેનો થેલો લઇ ફરાર થઈ ગયા હતા. જેથી પોલીસે નાકાબંધી કરી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આરોપીઓનું કોઇ પગેરૂં નહિ મળતા સુરેન્દ્રનગર DSP મેહેન્દ્ર બગડીયાએ LCB, SOG સહિતની ત્રણ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.
સુરેન્દ્રનગર પોલીસ ટીમે અલગ અલગ CCTVની મદદથી આરોપીઓને જેલના હવાલે કરવા ચક્રો ગતિમાન કર્યો હતા. પોલીસને જે લીંબડી હોટલ પરથી થેલાની લૂંટ થઈ હતી, તે હોટલ નંદનવનના CCTV ચેક કરતા અને અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશનના CCTV ચેક કરતા એક શંકાસ્પદ આરોપીની ભાળ મળી હતી. આ શંકાસ્પદ વ્યક્તિ આંતરરાજય બસમાં બેસતો જોવા મળ્યો હતો. જેથી પોલીસે ટેકનીકલ સેલની મદદ વડે રાજસ્થાન અને ઉતર પ્રદેશમાં તપાસ માટે ટીમો મોકલી આરોપીઓ સુધી પહોંચવા કાયદાનો હાથ લંબાવ્યો હતો. જેમાં પોલીસને સફળતા મળી હતી.
પોલીસે પ્રથમ ઉધમસિંહ દાતારામ ગુર્જર (રહેવાસી અતિરાજકાપુર તાલુકો બાડી જિલ્લો ધોલપુર)ની ઓળખ થતા અટક કરી પુછપરછ હાથ ધરી હતી. પુછપરછ દરમિયાન તેણે કબુલાત કરી કે, રાજકોટ અમદાવાદ વચ્ચે કઈ રીતે પાર્સલની ડીલેવરી થાય છે, તેની માહિતી પ્રદિપસિંહ માનસિંહ રાજપુત (રહેવાસી રાજકોટ માંડવી ચોક મુળ રહેવાસી રાજેસ્થાન)એ આપી હોતી. જે બાદ પોલીસે તેની પણ ધરપકડ કરી હતી. પોલીસે કડક પુછપરછ કરતા બન્ને આરોપીઓએ પોતાનો ગુનો કબુલ કરી સાથી આરોપીના નામ આપ્યા હતા.