આ પ્રસંગે પ્રધાને પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું હતું કે, પ્રથમ વખત નર્મદા ડેમ 138.67 મીટર સુધીની જળરાશી પૂર્ણ સપાટીએ ભરાયો છે. સરદાર સરોવર ડેમની જળરાશી પૂર્ણ સપાટીએ પહોંચતા હવે ગુજરાતના ચાર કરોડથી વધુ લોકોને પીવાનું ગુણવત્તાયુકત શુધ્ધ પાણી ઉપલબ્ધ થશે. ટેની સાથો-સાથ રાજયની ૧૮ લાખ હેકટર જમીનમાં સિંચાઈ માટેનું આયોજન અને કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત જેવા વિસ્તારોમાં દુષ્કાળ સામે સુરક્ષા પ્રદાન થશે. વધુમાં પ્રધાને જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા યોજનાની શાખા, વિશાખા, પ્રશાખા અને પ્રા-પ્રશાખાનું કુલ 10,186 કિ.મી. લંબાઈના વિશાળ નેટવર્ક દ્વારા ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય છેલ્લા કેટલાક વર્ષોથી હાથ ધરાયું છે. જે પૈકી શાખા નહેરોની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે વિશાખા અને પ્રશાખાની કામગીરી ૮૦ ટકા તથા પ્ર – પ્રશાખા (ભૂગર્ભ પાઈપ લાઈન)ની કામગીરી ૬૨ ટકા પૂર્ણ થઈ ગઈ છે.
સુરેન્દ્રનગરમાં ‘‘નમામિ દેવી નર્મદે મહોત્સવ’’ની ઉજવણી કરાઈ - સાંસદ ડો.મહેન્દ્ર મુંજપરા સમાચાર
સુરેન્દ્રનગરઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ પૂર્ણ સપાટીએ એટલે કે, 138.67 મીટર સુધી જળ રાશીથી ભરાયો છે. સમગ્ર રાજયમાં નર્મદાના નીરનું પૂજન કરી ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાનો ‘‘નમામિ દેવી નર્મદે મહોત્સવ’’ ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો.
હાલમાં જિલ્લાના તમામ શહેરો અને ગામોને નર્મદા આધારીત પીવાના પાણીનો લાભ મળી રહયો છે અને મા નર્મદાના નીરના આગમનથી ઝાલાવાડનો સુકો ભઠ્ઠ પ્રદેશ હવે હરિયાળો બનશે. તે ઉપરાંત પ્રધાને ઉમેર્યું હતું કે, ભુતકાળમાં પીવાના પાણી માટે વલખા મારતા ઝાલાવાડના ગ્રામ્ય વિસ્તારો સુધી સૌની યોજના દ્વારા નર્મદાના નીર પહોંચાડી રાજય સરકારે તેમની પીવાના પાણીની જરૂરિયાત પૂર્ણ કરી છે. સૌની યોજના અંતર્ગત નર્મદા યોજનાનું વધારાનું ૧ મીલીયન એકર ફીટ પાણી લીફ્ટ કરી પાઈપલાઈન મારફત સૌરાષ્ટ્રના 115 જળાશયો ભર્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે કુંવરજી બાવળીયાએ જળપૂજન કરી નર્મદા મૈયાના નીરના વધામણા કર્યા હતા. તેમજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્રધાન તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ ડો.મહેન્દ્ર મુંજપરા અને ધારાસભ્ય ધનજી પટેલે પ્રાસંગિક સંબોધન કર્યું હતું, તેમજ કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા વિકાસ અધિકારી રાજેશકુમાર રાજયગુરૂએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને પ્રાંત અધિકારી વિજય પટણીએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમના અંતમાં દુધરેજ વડવાળા મંદિરના સૌજન્યથી પ્રસાદીરુપે મેઘલાડુનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે પ્રભારી સચિવ અનુરાધા મલ્લ, જિલ્લા કલેકટર કે. રાજેશ, જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, નિવાસી અધિક કલેકટર એન.ડી.ઝાલા, નગરપાલિકાના પ્રમુખ વિપીનભાઈ ટોળીયા તેમજ અગ્રણીઓ સર્વ દિલીપભાઈ પટેલ, શંકરભાઈ વેગડ, જીજ્ઞાબેન પંડયા, મનહરસિંહ રાણા, જશુભા ઝાલા, વિરેન્દ્ર આચાર્ય સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા.