લીંબડી સબજેલમાં અલગ અલગ ગુન્હાઓના અનેક કેદીઓ સજા ભોગવી રહ્યા છે. ત્યારે ત્રણ ચાર દિવસ પહેલા બેરેક નંબર-2માં રાખેલ અલગ અલગ ગુન્હાઓ માટે સજા ભોગવી રહેલ ચાર કેદીઓ રમેશભાઈ ઉર્ફે જગદીશભાઈ કારુ, મયુરસિંહ ઉર્ફે સાગર હરિસિંહ જાડેજા, વિજયભાઈ અનકભાઈ કરપડા અને દિનેશ ઉર્ફે દેવ રામજન્મ શુક્લ એક સંપ થઇ બેરેક નંબર-2નું તાળું તોડી બેરેક ખોલી સબજેલની દીવાલ પર લગાવેલ લોખંડની ફેન્સીંગ તોડી દીવાલ કૂદીને નાશી છૂટતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. આ બનાવની જાણ થતા DSP અને DYSP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને નાસી છૂટેલ ચારેય કેદીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. તેમજ આ બનાવ અંગે લીંબડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
લીંબડી જેલમાંથી નાસી છૂટેલા 1 કેદી સહિત મદદ કરનારની ધરપકડ - police
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ગુન્હાખોરીએ માઝા મૂકી છે, ત્યારે ત્રણ-ચાર દિવસ પહેલા લીંબડી સબજેલમાંથી 4 કેદીઓ નાસી છૂટ્યા હતા. જેમને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી હતી, ત્યારે નાસી છૂટેલ કેદીઓમાંથી એક કેદી સહિત મદદ કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જેને ધ્યાને લઇ રાજકોટ રેન્જ IGની સૂચનાથી અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ LCB, SOG સહીત સ્થાનિક પોલીસે અલગ અલગ ટિમો બનાવી તપાસ હાથ ધરી છે. જેમાં જેલની આસપાસના CCTV કેમેરા તેમજ જેલમાં આરોપીઓને મળવા આવતા લોકો અને શકમંદોની પૂરછપરછ હાથ ધરી હતી. ટેક્નિકલ સોર્સ તેમજ હ્યુમન ઇંટેલિજન્સની મદદથી નાસી છૂટેલ કેદીઓ પૈકી એક કેદી રમેશભાઈ ઉર્ફે જગદીશભાઈ કારુ ધ્રાંગધ્રા ભાગવત ધામ પાસે હળવદ ચોકડી પાસે હોવાની બાતમીને આધારે પૂરતા સ્ટાફ સાથે રેઈડ કરી ઝડપી પાડ્યો હતો. જેની પૂરછપરછ કરતા જેલમાંથી ભાગવામાં મદદ કરનાર 4 થી 5 આરોપીઓના પણ નામ બહાર આવ્યા હતા.
જેમાં લીંબડી પોલીસે મદદગારી કરનાર મુખ્ય આરોપી ઉર્વેશ આબિદભાઈ પઠાણ, રહે લીંબડી વાળાને પણ ઝડપી પાડ્યો હતો. મદદગારી કરનાર ઉર્વેશ પઠાણ સહીત 4 આરોપીઓએ કેદીઓને બેરેકનું તાળું તોડવા માટે બહારથી આરી અને બહાર નીકળ્યા બાદ ભાગવા માટે કારની વ્યવસ્થા કરી આપી હોવાનું પૂરછપરછ દરમિયાન બહાર આવ્યું હતું.