સુરેન્દ્રનગરઃ સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે રાજ્ય સરકારની SDRFની નુકસાની અંગેની ગાઈડલાઈન મુજબ જિલ્લાના પાંચ તાલુકાઓમાં 33 ટકાથી વધુ નુકસાન હોવા છતા સર્વે કરવામાં આવ્યો નથી. જેથી ખેડૂત એકતા મંચના હોદ્દાદારો અને તમામ તાલુકાના ખેડૂતોએ જિલ્લા પંચાયત કચેરી ખાતે હલ્લાબોલ કરી ઉગ્ર રજૂઆતો કરી હતી.
ખેડૂત એકતા મંચે નુકસાની અંગે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી - Guidelines on SDRF losses
સમગ્ર રાજ્યમાં પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. રાજ્ય સરકારની SDRFની નુકસાની અંગેની ગાઈડલાઈન મુજબ નુકસાન હોવા છતા સર્વે કરવામાં આવ્યો નથી. જેથી ખેડૂત એકતા મંચના હોદ્દેદારો અને તમામ તાલુકાના ખેડૂતો દ્વારા જિલ્લા પંચાયત કચેરી ખાતે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી.
સમગ્ર રાજ્યમાં તાજેતરમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ નોંધાયો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અંદાજે 40 ઇંચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો હતો. જેના કારણે અનેક ખેડૂતોના પાકો ધોવાઈ જતા મોટા પાયે નુકસાન થયુ છે. ત્યારે જિલ્લાના મુળી, સાયલા, ચોટીલા, થાન અને ધ્રાંગધ્રા તાલુકાના મોટા ભાગના તમામ ગામોના ખેડૂતોના પાક ધોવાઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. આ સાથે રાજ્ય સરકારની SDRF યોજના અંતર્ગત આ તમામ પાંચ તાલુકામાં અતિવૃષ્ટિને કારણે 33 ટકાથી વધુ નુકસાન થયું હોવા છતાં સ્થાનિક અધિકારીઓ અને તંત્ર દ્વારા 33 ટકાથી ઓછું નુકસાન દર્શાવી સર્વે હાથ ધરવાની મનાઇ કરવામાં આવી હતી.
ખેડૂત એકતા મંચના હોદ્દેદારો અને તમામ તાલુકાના ખેડૂતો જિલ્લા પંચાયત કચેરી ખાતે એકત્ર થયા હતા અને કપાસ, જુવાર, તલ સહિતના પાકો સાથે જાતે જ નુકસાનીના સર્વે અંગેનું ફોર્મ ભરી જિલ્લા ખેતીવાડી અધિકારીને ઉગ્ર રજૂઆતો કરી હતી. આ તકે ચોટીલાના કોંગ્રેસ ધારાસભ્ય ઋત્વિક મકવાણા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયા રાઠોડ, ખેડૂત એકતા મંચના સાગર દેસાઈ, રાજુ કરપડા, રામકુ કરપડા તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા અને તાત્કાલિક નુકશાની અંગે સર્વે કરી વળતર ચૂકવવાની માગ કરી હતી.