પોરબંદરથી નીકળેલી 'ગાંધી સંદેશ યાત્રા' સુરેન્દ્રનગર પહોંચી
સુરેન્દ્રનગર: સ્નેહ-શાંતિ-સંવાદનો વિચાર લઈને 14 નવેમ્બરે રોજ પોરબંદરથી નીકળેલ અને દાંડી સુધી જનાર ગાંધી સંદેશ યાત્રા 5 ડિસેમ્બરે સુરેન્દ્રનગર પહોંચતા ભવ્ય સ્વાગત કર્યું હતું. ગાંધી વિચાર એક માનવતાવાદ પર ચર્ચા મંથનનું આયોજન સુરેન્દ્રનગર તાલીમ ભવનમાં કરાયુ હતું.
ભારત દેશમાં 1 વર્ષથી ગાંધી પદયાત્રા શરૂ થઇ છે. જેમાં ગુજરાતમાં 14 નવેમ્બર-2019 થી 9 જાન્યુઆરી-2020 સુધી પોરબંદરથી સાબરમતી આશ્રમ થઇ દાંડી સુધીની પદયાત્રાનું આયોજન કરાયું છે. ઝાલાવાડની પાંચાળભૂમિ પર થાનગઢમાં 1 ડિસેમ્બરે પદયાત્રા આવી પહોંચી હતી. 5 ડિસેમ્બરના રોજ યાત્રા સુરેન્દ્રનગર જિલ્લા તાલીમ ભવનમાં આવી પહોંચી હતી. આ પ્રસંગે ડાયેટના પ્રાચાર્ય સી.ટી.ટુંડીયાએ અને શિક્ષણ અગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યુ હતું.
ગાંધી વેશભુષામાં કોલેજના વિદ્યાર્થીઓએ રેલી યોજી હતી. ઉપરાંત ગાંધી વિચાર એક માનવતાવાદ વિષય પર પ્રવચન યોજાયું હતું. જેમાં ડો.વિદ્યુત જોષી, રામજીસિંહએ માર્ગદર્શન આપ્યુ હતુ. 6 ડિસેમ્બરનાં રોજ શહેરની આર.પી.પી.ગર્લ્સ હાઈસ્કૂલ તેમજ સી.પી.ઓઝા હાઈસ્કૂલ ખાતે “આઓ લકીરે મિટા દે”નાટક,પપેટ શો,એક્ઝિબિશન ,શાંતિ ગીતો,ગાંધી ગીતો દ્વારા વિદ્યાર્થીઓને ગાંધી વિષયક માહિતી આપી હતી.