કેન્દ્ર સરકાર દ્વારા ગામડાઓના વિકાસ માટે મોડેલ વિલેજ યોજના અંતર્ગત વડાપ્રધાન સહિત સાંસદો દ્વારા દેશના વિવિધ વિસ્તારના ગામડાઓને દત્તક લઇ સુવિધાસભર અને આધુનિક બનાવવા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જે અંતર્ગત વર્ષ 2015-16માં સાંસદ સ્મૃતિ ઈરાની દ્વારા આણંદ જિલ્લાના મઘરોલ ગામને દત્તક લઈ તેના વિકાસ માટે કાર્યો કરવામાં આવ્યાં. ગામમાં નવી પંચાયત, કોમ્યુનિટી હોલ બ્લોક પેવર, તળાવ બ્યુટીફિકેશન, સ્કીલ સેન્ટર તથા શાળામાં અભ્યાસ કરતા બાળકોને ટેબલેટ આપવાની સ્મૃતિ ઇરાની દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.
સમગ્ર ગામને ડિજિટલ વિલેજ બનાવવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગામની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યાં. લાખો રૂપિયાની ગ્રાન્ટ વાપરી અમુક કામ જ પુરા કરવામાં આવ્યા, પરંતુ પૂર્ણ થયેલ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચારના કિસ્સા સામે આવતા ગ્રામજનો દ્વારા સમગ્ર ઘટના જિલ્લા કલેક્ટરના ધ્યાને દોરવામાં આવી. તપાસમાં સાડા ચાર કરોડ જેટલો અંદાજિત ભ્રષ્ટાચાર થયો હોવાનું જાણવા મળ્યું છે.
ગામમાં રસ્તાની વ્યવસ્થા નથી, ત્યાં સરકારી ચોપડે રસ્તા થઇ ગયા હોવાનું બહાર આવ્યું છે. કોમ્યુનિટી હોલ, પંચાયત ઘર, બ્લોક પિયરના કામ અને તળાવ બ્યુટીફિકેશન જેવા તમામ કાર્યોમાં વપરાયેલ મટીરીયલની ગુણવત્તા હલકી હોવાનું સામે આવ્યું છે. જે શારદા મંદિર દ્વારા કોઇ એજન્સીને કામ આપ્યું હોવાનું જાણ થતાં રિકવરીના ઓર્ડર પણ કોર્ટમાંથી થયો છે, તેવું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે. પરંતુ તંત્ર તપાસમાં કચાસ દાખવતું હોય તેમ લાગતા એક જાગૃત નાગરિક દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી, જેમાં રિકવરીના હુકમ અને ત્યારબાદની કાર્યવાહી પર વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે