અમદાવાદ: ઝવેરચંદ મેઘાણીએ 'સૌરાષ્ટ્રની રસધાર', 'સોરઠ તારા વહેતા પાણી', 'તુલસી ક્યારો', 'સોરઠી બહારવટિયા' 'માણસાઈના દિવા', જેવા લોકજીવનના અનેક પ્રખ્યાત પુસ્તકો લખ્યા હતા. તેમનું 'કસુંબીનો રંગ' શૌર્ય ગીત આજે પણ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ તેમની કાવ્યશક્તિથી પ્રભાવિત થઈને 'રાષ્ટ્રીય શાયરનું' બિરુદ આપ્યું હતું. ઝવેરચંદ મેઘાણી 'ફૂલછાબ' સમાચાર પત્રના તંત્રી રહી ચૂંક્યા છે. તેમના માનમાં 1999માં તેમના ફોટા વાળી ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
ચોટીલાની પોલીસ લાઈન અને પોલીસ પરિવારમાં જન્મેલાં ઝવેરચંદ મેઘાણીનું લાઈન બોય તરીકે ગુજરાત પોલીસ સવિશેષ ગૌરવ અનુભવે છે, ઉલ્લેખનીય છે કે, ત્યારે આજના દિવસે ચોટીલા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મ સ્મારકે તેમના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનક મેઘાણી, સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક ડી. વી. બસીયા, ચોટીલા પોલીસ ઈન્સપેકટર સહિત પોલીસ પરિવાર, મેઘાણી-ચાહકો અને સાહિત્ય-પ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંઘે પણ શુભેચ્છા પાઠવી હતી.
વિશ્વભરમાં વસતાં દરેક ગુજરાતી ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન-કવનમાંથી પ્રેરિત થાય છે. સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ તેમ જ આઝાદીની લડતમાં તેમનું અનન્ય અને અમૂલ્ય યોગદાનને ક્યારેય વિસરાશે નહીં તેવી પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાએ લાગણીભેર ભાવાંજલિ અર્પી હતી. ઝવેરચંદ મેઘાણીના જીવનના પ્રેરક પ્રસંગોને પિનાકી મેઘાણીએ વાગોળ્યા હતા. વિશ્વ અહિંસા નિબંધ સ્પર્ધામાં વિજેતા થયેલ ચોટીલાની શાળાની ત્રણ વિદ્યાર્થીનીઓનું પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. પિનાકી મેઘાણીના માતા સ્વ. કુસુમબેન મેઘાણીની પુણ્યસ્મૃતિમાં દરેકને 500 રૂપિયાનો પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
- રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 124મી જન્મ જયંતી
- ઝવેરચંદ મેઘાણીને તેમના જન્મસ્થળ ખાતે ભાવાંજલિ અર્પણ કરાઈ
- ઝવેરચંદ મેઘાણીનું સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ, આઝાદીની લડતમાં અમૂલ્ય યોગદાન