સુરત:ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફરી એક વખત શારજાહાથી સુરત પહોંચેલી ફ્લાઈટમાં 30 લાખ રૂપિયાના સોના સાથે કસ્ટમ વિભાગે એક યુવાનની અટકાયત કરી હતી. આ યાત્રી ગુદામાર્ગે સોનુ છુપાવીને લઈ આવ્યો હતો. શુક્રવારે રાત્રે જ શારજહાથી સુરત પહોંચેલી ફ્લાઈટમાં 48 કિલો ગોલ્ડ સાથે ચાર લોકોની ધરપકડ કરાઈ હતી. રવિવારે ફરીથી આ જ એરપોર્ટ પર તે જ ફ્લાઇટમાં 30 લાખ રૂપિયાના સોના મળતા સ્પષ્ટ થઈ જાય છે કે, દાણચોરો સુરતમાં કેટલા બેખોફ છે.
બાતમીના આધારે કાર્યવાહી: કસ્ટમ વિભાગ ને જાણકારી મળી હતી કે, શારજાહાથી સુરત આવેલી ફ્લાઈટમાં ફરી એક વખત દાણચોરીની ઘટનાને અંજામ આપવા એક યાત્રી આવી રહ્યો છે. બાતમીના આધારે કસ્ટમ વિભાગના અધિકારીઓએ 29 વર્ષીય અફસર અહમદની અટકાયત કરી હતી. તેની પૂછપરછ હાથ ધરવામાં આવી ત્યારે તેણે કોઈપણ વસ્તુ તેની પાસે હોય તેવો ઇનકાર કર્યો હતો. એટલું જ નહીં તેણે અધિકારીઓને ગુમરાહ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.
નોકરી અર્થે ગયો હતો દુબઇ:કસ્ટમ વિભાગના અધિકારીઓ પાસે ચોક્કસ માહિતી હોવાના કારણે અફસર અહમદનો એક્સરે કરાવવામાં આવ્યો હતો. તેના શરીરમાંથી બે ગોલ્ડ કેપ્સુલ મળી આવ્યા હતા. આ બે કેપ્સુલ 604 ગ્રામની છે જેની કુલ કિંમત 30 લાખ રૂપિયા છે. આરોપીએ ગુદામાર્ગે આ કેપ્સુલ છુપાઈને લઈને આવ્યો હતો. આરોપીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે તે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને થોડાક દિવસ પહેલાં નોકરી માટે દુબઈ ગયો હતો. તેણે 90 હજાર રૂપિયા એજન્ટને આપ્યા હતા જેથી તે દુબઈ જઈને નોકરી કરી શકે.
તપાસ શરૂ:દુબઈ પહોંચ્યા બાદ કેટલાક લોકોએ તેની પાસેથી પાસપોર્ટ લઈ લીધા હતા અને એક મહિના સુધી નોકરી પણ આપવામાં આવી ન હતી. ત્યાંના લોકોએ અફસરને જણાવ્યું હતું કે ભારત જવું હોય તો તેને તેની સાથે ગોલ્ડ લઈ જવું પડશે. આ શરત સાંભળી તે તૈયાર થઈ ગયો હતો અને ગુદામાર્ગે કેપ્સુલ છુપાવીને તે ભારત પહોંચ્યો હતો. જોકે કસ્ટમ વિભાગના અધિકારીઓ તેની વાત પર સંપૂર્ણ રીતે વિશ્વાસ પણ કરી રહ્યા નથી. તેઓએ જણાવ્યું હતું કે આવા આરોપીઓ બચવા માટે આવી વાત કરતા હોય છે. જોકે આ સમગ્ર મામલે હકીકત શું છે? તેની તપાસ કસ્ટમ વિભાગ કરી રહ્યો છે.
- Gold Smuggling: દુબઈથી 27 કરોડ રૂપિયાનું સોનું લિક્વિડ ફોર્મમાં લાવતા સુરત એરપોર્ટ પર ચાર લોકોને ઝડપી પડાયા
- Surat News: સુરત એરપોર્ટ પર રાજ્યનું સૌથી મોટું ગોલ્ડ સ્મગલિંગ, ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટના PSIની કરાઇ ધરપકડ