સુરત: જિલ્લાના કામરેજ તાલુકાનાં કઠોર અને વેલંજા ગામની વચ્ચે આવેલ નહેર કોલોનીમાં રહેતા યુવાને તેના નાના ભાઈના હાથ પગ બાંધી નહેરમાં ફેંકી દીધા બાદ શુક્રવારના રોજ તેનો મૃતદેહ મળી આવતા પોલીસે મોટાભાઈ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા યુવકની ધરપકડ કરી લીધી હતી.
લોકઠપકાથી કંટાળી યુવકે ચોરી કરતા નાનાભાઈને નહેરમાં ફેંકી મોતને ઘાટ ઉતાર્યો - નવી પારડી બસ સ્ટેન્ડ
કામરેજ તાલુકાના વેલંજા અને કઠોર ગામની વચ્ચે આવેલ નહેર કોલોનીમાં રહેતા યુવાનને આજુબાજુના વિસ્તારમાં ચોરી કરવાની ટેવ હોવાથી આજુબાજુના વિસ્તારના લોકો તેના મોટાભાઇને ઠપકો આપતા હતા. જેથી લોકોના ઠપકાથી કંટાળેલા મોટાભાઈએ નાનાભાઈના હાથપગ બાંધી તેને નહેરમાં ફેંકી દઈ હત્યા કરી નાખી હતી. જેમાં પોલીસે આરોપી મોટાભાઈની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, કામરેજ તાલુકાનાં કઠોર અને વેલંજા ગામની વચ્ચે આવેલ નહેર કોલોનીમાં ગોમાન ઉર્ફે ગોમલો ઈશ્વરભાઈ વસાવા તથા તેનો ભાઈ મંગળ ઉર્ફે મંગો વસાવા રહેતા હતાં. મંગળ કંઈ કામ ધંધો કરતો ન હતો અને આજુબાજુના વિસ્તારમાં ચોરી કરતો હતો. જેથી આજુબાજુવાળા લોકો ગોમાનને ઠપકો આપતા હોવાથી બંને ભાઈઓ વચ્ચે અવાર નવાર ઝઘડો થતો હતો. જેમાં શનિવારના સાંજના મંગળ દારૂ પીને આવતા બંને ભાઇઓ વચ્ચે ઝઘડો થતાં ગોમાને મંગળના હાથ પગ દોરી વડે બાંધી તેને નહેર નજીક લઈ ગયો હતો. જ્યાં તેને નહેરના પાણીમાં ફેંકી દીધો હતો, ત્યારબાદ મંગળનો મૃતદેહ અબ્રામા જતાં રોડ તરફ ઉકાઈ જમણા કાંઠા નહેરમાંથી મળી આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસે મૃતકની માસીની ફરિયાદના આધારે ગોમાન વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તે દરમ્યાન શુક્રવારે સાંજે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી ગોમાનને કામરેજ તાલુકાના નવી પારડી બસ સ્ટેન્ડ પરથી પકડી લીધો હતો, ત્યારબાદ પોલીસે પકડાયેલ આરોપીનો કોરોના ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરી હતી.