સુરત: ખેડૂત પુત્રી દિશા દેવાંગભાઈ નાયક નવસારીમાં આવેલી એસ.એસ.અગ્રવાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. 16 જૂનના રોજ દિશા પોતાના ઘરે ફાંસો ખાઈ જતાં તેને સારવાર માટે તાત્કાલિક ગણદેવીમાં આવેલી દમણિયા હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. વધુ સારવાર માટે તા.17 જૂનના રોજ દિશાને સુરતની સિડ્સ હોસ્પીટલમાં સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. જ્યાં, ડોકટરોએ દિશાને બ્રેન હેમરેજ હોવાનું જણાવ્યું હતું.
ડૉકટરે ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી દિશાના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી હતી. નિલેશ માંડલેવાળાએ તેઓને દિશાનો COVID ટેસ્ટ કરાવવા જણાવ્યુ અને કહ્યું કે, COVID ટેસ્ટ નેગેટિવ આવે ત્યાર પછી જ ઓર્ગન ડોનેશનની પ્રક્રિયા શરૂ થઈ શકે.
સુરતની ફિઝિયોથેરાપીસ્ટ યુવતીએ ઓર્ગન દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપ્યું - દિશા દેવાંગભાઈ નાયક
સુરતમાં ફિઝિયોથેરાપીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીએ મૃત્યુ પછી કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.
COVID ટેસ્ટ નેગેટિવ આવતા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી દિશાના ફુવા બંકિમભાઈ દેસાઇની સાથે રહી દિશાના પિતા અને માતા દેવાંગભાઈ અને શિલ્પાબેનની સાથે અંગદાન અંગેની ચર્ચા કરી હતી.
પરિવારજનોએ જણાવ્યું કે, અમને નિર્ણય લેવા માટે થોડા દિવસનો સમય આપો. શનિવાર, 27 જૂનના રોજ દિશાના ફુવા બંકિમભાઈ દેસાઇએ નિલેશભાઈ માંડલેવાળાને ટેલિફોન કરી દિશાના માતા-પિતા તમને મળવા માંગે છે તેમ જણાવ્યું. નિલેશભાઈ માંડલેવાળાએ હોસ્પિટલ પહોચી દિશાના માતા-પિતા દેવાંગભાઈ અને શિલ્પાબેન તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવી તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. દિશાના પિતા દેવાંગભાઈ અને માતા શિલ્પાબેને જણાવ્યું કે, અમારી દીકરી દિશા ફિઝિયોથેરાપીસ્ટ બનીને સમાજમાં લોકોની સેવા કરવા માગતી હતી. આજે તે બ્રેઈનડેડ છે, અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે શરીર બળીને રાખ થઇ જાય તેના કરતા તેના અંગના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો.
બ્રેઈનડેડ દિશા દેવાંગભાઈ નાયકના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી પોતાની લાડકવાયી પુત્રીના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.