ગુજરાત

gujarat

ETV Bharat / state

વરેલી આગ પ્રકરણ: કંપનીના 2 સંચાલકોની ધરપકડ, SUDA એ બિલ્ડીંગ સિલ કર્યું - સુરત બારડોલી કડોદરા સુડા આગ

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ખાતે આવેલી પ્લાસ્ટિકની બેગ અને માસ્ક બનાવતી કંપનીમાં સોમવારે આગ લાગવાની ઘટના બની હતી. જેમાં પોલીસ દ્વારા બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કંપનીનો મુખ્ય માલિક ફરાર છે, તો બીજી તરફ સુરત શહેરી વિકાસ સત્તા મંડળ ( SUDA) પણ સક્રિય થયું છે. અને મિલકતને બિનઅધિકૃત જાહેર કરી બિલ્ડીંગ સીલ કરી દેવામાં આવ્યું છે.

વરેલી આગ પ્રકરણ:  કંપનીના 2 સંચાલકોની ધરપકડ, સુડાએ  બિલ્ડીંગ સિલ કર્યું
વરેલી આગ પ્રકરણ: કંપનીના 2 સંચાલકોની ધરપકડ, સુડાએ બિલ્ડીંગ સિલ કર્યું

By

Published : Oct 20, 2021, 8:36 AM IST

Updated : Oct 20, 2021, 9:53 AM IST

  • વરેલી આગ પ્રકરણ હવે ધીમે ધીમે તપાસના પાટે ચઢ્યું
  • સુડાએ મિલકત બિન અધિકૃત હોવાનું જાહેર કર્યું
  • પોલીસ પણ વિવિધ પાસાઓને લઈ તપાસમાં જોતરાઈ

સુરત: સોમવારે સવારે 4.30 વાગ્યાની આસપાસ વરેલી ખાતે આવેલી વિવા પેકેજિંગ નામની ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. માસ્ક અને પેકિંગ બેગ બનાવતી કંપનીના ગ્રાઉંડ ફ્લોર પર અચાનક આગ લાગતા બે મજૂરોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં સંચાલકોની બેદરકારી સામે આવતા પોલીસે બે માલિક અને મેનેજર વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. એક માલિક અને મેનેજરની કડોદરા જી.આઈ.ડી.સી.પોલીસે ધરપકડ કરી હતી. આ આગની મોટી દુર્ઘટના બાદ હરકતમાં આવેલા સુડા અધિકારીઓએ મિલકતને સીલ કરી છે.

ફેકટરીમાં કામ કરતાં 200થી વધુ કામદારો ફસાયા હતા
આ આગમાં ફેકટરીમાં કામ કરતાં 200થી વધુ કામદારો ફસાયા હતા, અને બે કામદારોના આ ઘટનામાં મોત થયા હતા. જ્યારે કેટલાક કામદારોને ઇજા પહોંચી હતી. કંપનીમાં ઈમરજન્સી બહાર નીકળવા માટેનો રસ્તો ઉપલબ્ધ ન હતો, અને ફાયર કે સુરક્ષાની અન્ય કોઈ સુવિધા ઉપલબ્ધ ન હતી. ફેક્ટરીનું કોઈ પણ જાતનું રજીસ્ટ્રેશન પણ કરાવવામાં આવેલ પણ ન હતું.

ફેકટરીના માલિકો અને મેનેજર સામે ગુનો નોંધાયો
આ આગની ઘટનામાં મૃતકના ભાઈએ કંપનીના માલિક, મેનેજર અને ભાગીદાર વિરુદ્ધ કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે સદોષ માનવ વધનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ત્યાર બાદ આ ઘટનામાં પોલીસે મેનેજર દિનેશ નાથાભાઈ વઘાસિયા તેમજ ભાગીદાર શૈલેષ વિનુભાઈ જાગાણી ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કંપનીનો માલિક જનક મધુભાઈ જોગાણી હજુ પણ પોલીસ પકડથી દૂર છે.


બિલ્ડીંગ બિનઅધિકૃત બાંધકામ હોવાનું જાહેર નોટિસ પ્રસિદ્ધ
સુરતના વરેલી ખાતે બનેલી આગની ઘટના બાદ પોલીસ તપાસનો રેલો આવવાની બીકે હવે સુરત શહેરી વિકાસ સત્તામંડળ આગ લાગી ત્યારે કૂવો ખોદવા નીકળે તેવી સ્થિતિનું નિર્માણ કર્યું હતું. આગમાં સળગી ગયેલું બિલ્ડીંગ બિનઅધિકૃત બાંધકામ હોવાનું જાહેર નોટિસ પ્રસિદ્ધ કરતાં સુડાની નીતિ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વરેલી આગ પ્રકરણ હવે તપાસના પાટે
વરેલી આગ પ્રકરણ હવે ધીમે ધીમે તપાસના પાટે ચઢી રહ્યું છે. પોલીસ જો તટસ્થ તપાસ કરે તો અનેક સરકારી વિભાગના અધિકારીઓની પોલ ખૂલે તેમ છે. વિવા પેકેજિંગ ઈન્ડસ્ટ્રી કોઈ પણ પ્રકારની પરવાનગી વગર ધમધમી રહી હતી. તો આ બિલ્ડીંગના બાંધકામથી લઈ વીજ કંપનીના જોડાણ સુધીની પરવાનગી હતી કે કેમ તે અંગે પોલીસ તપાસ કરવાની હોવાથી હવે વિવિધ સરકારી વિભાગો પોતાની ઉપર તપાસનો રેલો આવે તે પહેલા જ પાળ બાંધવા નીકળ્યા છે.

સુડાએ મિલકત સીલ કરી
આ મામલે સૌથી પહેલા સુરત શહેરી વિકાસ સત્તા મંડળ (સુડા) આગળ આવ્યું છે. બિનઅધિકૃત બાંધકામ થઈને ફેક્ટરી શરૂ થઈ ગઈ ત્યાં સુધી મૌન રહેલું સુડા હવે આગની ઘટના બાદ આ બાંધકામ બિનઅધિકૃત હોવાનું જાહેર ચેતવણી પ્રસિદ્ધ કરતાં તેમની આ કામગીરી પણ શંકા પ્રેરે તેવી છે. સુડાએ વરેલીના બ્લોક નંબર 90/5/બમાં આવેલી તુલસીપત્ર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ નંબર 1,2,3માં આવેલી વિવા પેકેજિંગ ઈન્ડસ્ટ્રીઝને ફાયર ડિઝાસ્ટર બનાવ કારણોસર મિલકતને સીલ કરી હતી. અને આગામી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિઓએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

આ પણ વાંચોઃગુજરાતના ખેડૂતો આનંદો: કૃષિ સહાય પેકેજમાં પ્રતિ હેક્ટર રૂપિયા 13,000 સહાય ચૂકવાશે

આ પણ વાંચોઃC.R. Patil એ શિવસેના પર કર્યા આકરા પ્રહારો, જાણો શું કહ્યું

Last Updated : Oct 20, 2021, 9:53 AM IST

ABOUT THE AUTHOR

...view details