સુરત: 13 ફેબ્રુઆરી એટલે કે વિશ્વ રેડીયો દિવસ. વર્તમાન સમયમાં સ્માર્ટફોનનો ટ્રેન્ડ હોવા છતાં પણ રેડીયો પ્રત્યે લોકોનો ક્રેઝ ઓછો થયો નથી. જૂન 1923માં ભારતમાં રેડીયોની શરૂઆત થયા બાદ બાળપણથી લઈને વૃદ્ધાવસ્થાની ઉંમર સુધી દરેક પડાવવામાં તેનું અનેરું મહત્વ છે. દેશની આઝાદીની ઘોષણા પણ રેડીયોના માધ્યમથી જ દેશવાસીઓને મળી હતી. તેથી રેડીયો સાથે લોકોનો અંગત લગાવ હોય છે, ત્યારે સુરત શહેરના ઉધના દરવાજા વિસ્તારમાં રહેતા ધવલ ભંડારી એ પોતાના દાદાના શોખને માત્ર જાળવવાને બદલે આગળ વધાર્યો છે.
આ પણ વાંચો :World Radio Day : 'આકાશવાણી' કે જ્યાં 50 વર્ષથી ચાલે છે માઁ ભારતીના સૈનિકો માટે કાર્યક્રમ 'જય ભારતી'
રેડીયાનો સંગ્રહ :ડિજિટલ યુગમાં જ્યાં એક તરફ સોશિયલ મીડિયા અને ખાસ કરીને રિલ્સ ટ્રેન્ડમાં છે, ત્યારે બીજી બાજુ લોકોની પહેલી પસંદ રેડીયો જોવા મળે છે. વર્તમાનમાં લોકોના મોબાઇલ અથવા તો નાના ગેજેટમાં રેડીયો જોવા મળતું હોય છે, પરંતુ ધવલ ભંડેરી પાસે જે કલેક્શન છે તેનાથી જાણી શકાય કે રેડીયો યુગ કેટલો શાનદાર હતો. ધવલ પાસે દેશ વિદેશની અનેક એન્ટીક વસ્તુઓનો સંગ્રહ છે. ખાસ કરીને રેડીયોની વાત કરવામાં આવે તો તેમની પાસે 100થી વધુ રેડીયોનું કલેક્શન છે. જેમાં નામાંકિત કંપનીઓના રેડીયો છે. આ રેડીયોને તેમણે અલગ સ્થળો પર જાતે મુલાકાત લઈને કે પાર્સલ મંગાવી એકત્ર કર્યા છે. સાથે જ તેમણે રેડીયોને દુરસ્ત કરી તેને ચાલુ રાખી તેની જાળવણી કરે છે. તેમના મકાનના એક સંપૂર્ણ ફ્લોર પર તેમણે રેડીયોનો સંગ્રહ કર્યો છે.