સુરત : આજે 18મી એપ્રિલ એટલે વિશ્વ હેરિટેજ દિવસ. હેરિટેજ એટલે ધરોહર અથવા વારસો. વિશ્વ હેરિટેજ દિવસે આપણી સાંસ્કૃતિક વિરાસત અને વિવિધતાને જાળવવાની પ્રેરણા આપે છે. ત્યારે સુરત જિલ્લામાં આવેલી પ્રાચીન ધરોહરો ગૌરવશાળી ઈતિહાસની સ્મૃતિ જીવંત રાખી રહી છે. સુરત જિલ્લાના મહુવા નગર ખાતે મુગલ સલ્તનતના સમયની 47 ઇંચની ઊંચાઈ ધરાવતી પાર્શ્વનાથ મૂર્તિ, અતિશય ક્ષેત્ર તરીકે ઓળખાતું 1050 વર્ષ જૂની પૌરાણિક જિનાલય દિગમ્બર જૈનોની અપ્રતિમ આસ્થાનું કેન્દ્ર છે. અહીં દેશ-વિદેશથી જૈનો અને જૈનેત્તર ભક્તો દર્શનાર્થે પધારે છે.
પાર્શ્વનાથ ભગવાન પ્રત્યે લોકોની માન્યતા :મહુવા પૂર્ણા નદીના કિનારે સુંદર રળિયામણા સ્થાન પર વસેલું છે. જ્યાં પદ્માસનની સ્થિતિમાં બેસેલા પાર્શ્વનાથજીના સૌમ્ય અને દિગંબર સ્વરૂપની ખૂબ શ્રદ્ધા પૂર્વક પૂજા અર્ચના થાય છે. ધરણેન્દ્ર ફેણવાળા ભગવાન સર્વજનના વિઘ્ન દૂર કરે છે એવી ભાવિક જનોમાં દ્રઢ આસ્થા છે. આજે વિઘ્નહર પાર્શ્વનાથ ભારતના ખૂણે-ખૂણે ખ્યાતિ પામ્યા છે. ખાસ કરીને ભક્તોને દરેક મહિનાની સુદ એકમ, દશમ અને પૂનમના દિવસે વિશેષ દર્શનાર્થે પધારે છે.
પ્રાચીન કાળમાં મધુપુરી તરીકે ઓળખાતું :મંદિરના ટ્રસ્ટી અતુલ મગનલાલ શાહે મંદિરનો ઈતિહાસ વર્ણવતા જણાવ્યું હતું કે, ભારતમાં દિગમ્બર જૈનોના જે સિદ્ધક્ષેત્ર તથા તીર્થક્ષેત્ર આવેલા છે, તે સર્વમાં સુરત જિલ્લાનું મહુવાનું અતિશય ક્ષેત્ર ખૂબ જ પ્રાચીન છે. મહુવા પ્રાચીનકાળમાં મધુપુરી નગરી તરીકે ઓળખાતું. શરૂઆતમાં મંદિરની ખ્યાતિ 1008 ચંદ્રપ્રભુ દિગંબર જૈન મંદિરના નામથી હતી. મુગલ સલ્તનતના શાસન આસપાસ આ જિનાલયનો સંવત 1625 તથા સંવત 1827માં જીર્ણોદ્ધાર થયો હતો. વર્ષો પહેલા અહીં જૈન વસ્તી હોવાના પ્રમાણ મળી રહ્યા છે. ગિરનાર, તારંગા, પાલિતાણા અને પાવાગઢ જેવા જૈન તીર્થ ક્ષેત્રો પર્વતો પર આવેલા છે, જ્યારે સુરતના મહુવાનુ અતિશય ક્ષેત્ર જમીનની સમતલ મેદાનમાં વસ્યું છે. તીર્થધામમાં જૈન ધર્મશાળા, ભોજનશાળા વિગેરેની વિશેષ સુંદર વ્યવસ્થા છે.
આ પણ વાંચો :World Heritage Day : વર્લ્ડ હેરિટેજ નિમિતે શહેરની જનતા માટે AMCએ એક્ઝિબિશન ખુલ્લુ મૂક્યું