સુરત :વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર સમર્થ અને વિશ્વકર્મા યોજના દ્વારા 60 જેટલી મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ટેક્સટાઇલ રાજ્યપ્રધાન દર્શના જરદોશ વિવિધ યોજનાઓ થકી સુરતની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે અમી ચેરીટેબલ ટ્રસ્ટ સાથે મળી ખાસ ટ્રેનિંગ અપાવી રહી છે. સુરતમાં મહિલાઓ જરદોસી ટ્રેનિંગ મેળવી આ કળાના માધ્યમથી સંગઠિત ક્ષેત્રમાં યોગદાન આપે તે હેતુથી ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
મહિલાઓ માટે ખાસ તાલીમ :ટેક્સટાઈલ નગરી સુરતમાં મહિલાઓ ઘરગથ્થુ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સાડીમાં ટીલી ટીકા વર્ક કરી મહિલાઓ રોજગારી મેળવી રહી છે. ઘણી મહિલાઓ જરદોસી કામ કરે છે. પરંતુ આ મહિલાઓને સુનિયોજિત રીતે એક કરી વિવિધ યોજનાઓ અંતર્ગત ટ્રેનિંગ આપી પગભર કરવી જરૂરી છે. જે માટે ટેક્સટાઇલ પ્રધાન દર્શના જરદોશ દ્વારા વિવિધ યોજના હેઠળ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. સુરતની મહિલાઓ દ્વારા કાપડમાંથી બનાવવામાં આવેલી વસ્તુઓ હવે દેશભરમાં ખ્યાતનામ બની રહી છે. ઉપરાંત આ વસ્તુઓ બદલ સારું વળતર પણ મેળવી રહી છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારની મહિલાઓ દર્શનાબેન જરદોશની આગેવાનીમાં આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહી છે.