ગુજરાત

gujarat

ETV Bharat / state

ગ્રીન કાર્ડ મળી જતાં પતિએ પત્નીને આપ્યા છુટાછેડા, સાસરિયા અને પતિના માનસિક ત્રાસથી પત્નીએ નોંધાવી ફરિયાદ

બારડોલી તાલુકાના ઉમરાખની યુવતી વર્ષોથી માતા પિતા સાથે અમેરિકામાં રહેતી હતી. તેણીના લગ્ન સુરતના કુંભારિયા ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. યુવકને અમેરિકાના વિઝા અને ગ્રીન કાર્ડ મળતા જ યુવતીને અધવચ્ચે તરછોડી દીધી હતી અને પોતાનું અન્ય યુવતી સાથે અફેર હોવાથી માત્ર ગ્રીન કાર્ડ મેળવવા જ લગ્ન કર્યા હતા એમ જણાવી યુવતીની સાથે છૂટાછેડાની માગ કરી હતી. જોકે, ભારત આવેલી યુવતીએ પતિ સહિત સાસરિયાઓ સામે ફરિયાદ કરતાં મહિલા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

Surat
Surat

By

Published : Dec 2, 2020, 7:27 AM IST

  • અમેરિકા પહોંચતા જ યુવતી સાથે છૂટાછેડા માટેની કોર્ટમાં અરજી કરી દીધી
  • પરિણીતાએ પતિ, સાસુ સસરા અને લગ્ન નક્કી કરાવનાર વિરુદ્ધ નોંધાવી ફરિયાદ


બારડોલી: અમેરિકાના ટેક્સાસમાં રહેતી મૂળ બારડોલીના ઉમરાખની યુવતીના લગ્ન સુરતના કુંભારિયાના રહેવાસી યુવક સાથે થયા હતા. લગ્ન બાદ યુવકને અમેરિકાના વિઝા મળ્યા હતા. અમેરિકા પહોંચ્યા બાદ યુવકે “મેં તો માત્ર અમેરિકાનો ગ્રીન કાર્ડ મેળવવા તારી સાથે લગ્ન કર્યા હતા” એમ કહી યુવતીને કારમાંથી અધવચ્ચે એકલી ઉતારી જતો રહેતા ભારત આવેલી યુવતીએ પોલીસમાં ફરિયાદ આપતા તેના પતિ, સાસુ સસરા અને લગ્ન ગોઠવનાર વિરુદ્ધ સુરત જિલ્લા મહિલા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
મૂળ બારડોલી તાલુકાના ઉમરાખ ગામના રહેવાસી અને વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલા સતિશભાઈ શિરીશભાઈ પટેલની પુત્રી સ્વાતિ (ઉ.વર્ષ 28)ના લગ્ન ગત 21મી ડિસેમ્બર 2016ના રોજ સુરત શહેરના કુંભારિયા ખાતે રહેતા જતિન કરસન પટેલ સાથે થયા હતા. આ લગ્ન યુવતીના સંબંધી સમીર રમણ પટેલ (રહે. કુંભારિયા, સુરત)એ નક્કી કરાવ્યા હતા. સામાજિક રીત રિવાજ મુજબ લગ્ન થયા બાદ સ્વાતિ પોતાની સાસરી કુંભારિયા ખાતે રહેવા ગઈ હતી.

15 તોલા સોનું પતિએ પોતાના બેન્ક લૉકરમાં મૂકી દીધું, પત્નીને કોઈ માહિતી ન આપી

સ્વાતિ લગ્નમાં પરિવાર તરફથી મળેલુ 15 તોલા જેટલું સોનું પણ લઈ ગઈ હતી. આ સોનાના દાગીના સ્વાતિના પતિ જતિને બેન્કના લૉકરમાં મૂકી દીધા હતા. પરંતુ દાગીના કઈ બેન્કમાં અને કોના ખાતામાં મૂક્યા તે અંગે કોઈ જાણકારી સ્વાતિને આપી ન હતી.

દારૂ પીને આવતા પતિની ફરિયાદ કરતાં સાસુ સસરા આપતા ત્રાસ

લગ્નના ત્રણ મહિના સુધી સાસરીમાં રોકાઈ હતી. સાસરીમાં પતિ દારૂ પીને રાત્રે મોડે ઘરે આવતા હોય સ્વાતિએ આ અંગે સાસુ સસરાને વાત કરતાં પતિ અને સાસુ સસરા દ્વારા માનસિક ત્રાસ આપવાનું શરૂ થયું હતું. આ દરમિયાન સ્વાતિ થોડા સમય રહ્યા બાદ પરત અમેરિકા જતી રહી હતી. અમેરિકા આવી પતિ સુધરી જશે એમ માની તેણીએ જતિનના વિઝા માટેની પ્રોસેસ ચાલુ કરી હતી.

લોકરમાં નામ દાખલ કરવાની ચોખ્ખી ના પાડી દીધી

વર્ષ 2018માં જ્યારે તેણી પોતાના પરીવાર સાથે ભારત આવી ત્યારે દાગીના વાળા લૉકરમાં પોતાનું નામ જોઇન્ટ કરવા માટે સ્વાતિએ પતિને જણાવ્યુ હતું. પરંતુ પતિએ લૉકરમાં નામ દાખલ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.

સ્વાતિની જાણ બહાર બેન્કમાં જોઇન્ટ એકાઉન્ટ ખોલાવ્યું

આ દરમિયાન સ્વાતિ પરત અમેરિકા જતી રહ્યા બાદ વિઝાના કામે બેન્કમાં જોઇન્ટ એકાઉન્ટ ખોલાવવું જરૂરી હોય સ્વાતિની સહીની જરૂર હતી. પરંતુ બારડોલીની એચડીએફસી શાખામાં જતિને સ્વાતિની સહી વગર જ જોઇન્ટ એકાઉન્ટ ખોલાવી દીધું હતું. જે અંગે અમેરિકા પહોંચ્યા બાદ સ્વાતિએ પૂછતાં જતિને “તારે શું કામ છે મને અમેરિકાનો ગ્રીન કાર્ડ મળી ગયો છે. એટલે તારી કોઈ જરૂર નથી” એમ જણાવી તેની સાથે ગેરવર્તણૂક કરી હતી અને “અહીની છોકરી સાથે મારૂ અફેર ચાલે છે હું તેની સાથે લગ્ન કરી લઉં છું” એમ કહી વારંવાર મેણાં ટોણાં મારી માર મારતો હતો. તેમજ સાસુ-સસરા પણ શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

સગા સંબંધીને ત્યાં ફરવા લઈ જવાના બહાને અધવચ્ચે તરછોડી છૂટાછેડાની અરજી કરી

ગત 2 ફેબ્રુઆરી 2020ના રોજ સ્વાતિ તેના પતિ અને નણંદ સાથે ગાડીમાં બેસી અમેરિકામાં સગા સબંધીને ત્યાં જતાં હતાં. તે સમયે પતિ જતિન સ્વાતિને રસ્તામાં એકલી ઉતારી જતો રહ્યો હતો. મોડે સુધી પતિ પરત ન ફરતા સ્વાતિએ ફોન કરતાં જતિને “આજથી આપણે બંને છૂટા, મે તો માત્ર તારી સાથે અમેરિકાનો ગ્રીન કાર્ડ મેળવવા જ લગ્ન કર્યા હતા” એમ કહી ફોન બંધ કરી દીધો હતો. બાદમાં તેણી પોતાના માતપિતાના ઘરે રહેવા જતી રહી હતી. બે દિવસ બાદ જતિને ડલાસ કોર્ટમાં છૂટાછેડા માટેની અરજી ફાઇલ કરી હતી.

ભારત આવી પતિ સહિત સાસરિયાઓ સામે નોંધાવી ફરિયાદ

આ દરમિયાન ગત 4 ઓક્ટોબરના રોજ સ્વાતિ પોતાના માતા પિતા સાથે ભારત આવી ગઈ હતી અને પોતાના પિયર ઉમરાખ ખાતે રહેતી હતી. સ્વાતિએ સુરત જિલ્લાના મહિલા પોલીસ મથકમાં પતિ જતિન કરસન પટેલ, સાસુ કલ્પના કરસન પટેલ, સસરા કરસન લલ્લુ પટેલ અને લગ્ન નક્કી કરાવનાર સમીર રમણ પટેલ વિરુદ્ધ ફરિયાદ કરતાં પોલીસે ચારેય વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details