- બારડોલી અને મહુવા તાલુકાના કેટલાક ગામમાં લાગુ કરાયું લોકડાઉન
- શુક્રવારે રાત્રે 8થી સોમવાર સવારે 6 વાગ્યા સુધી લોકડાઉન
- આવશ્યક સેવાઓને લોકડાઉનમાંથી મુક્તિ
સુરતઃ જિલ્લામાં બારડોલી નગરપાલિકા સહિત મહુવા તાલુકાના કુલ 13 ગામમાં વિકેન્ડ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. બારડોલી પ્રાંતના નાયબ કલેક્ટર દ્વારા શનિવાર અને રવિવારના રોજ આવશ્યક સેવા સિવાય તમામ જાહેર બજારો બંધ રાખવાની લોકોને અપીલ કરવામાં આવી છે.
અનેક પ્રયાસો છતાં કોરોના કાબૂ બહાર
સુરત જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક પ્રયાસો છતાં કોરોના પર કોઈ કાબૂ મેળવી શકાયો નથી. જિલ્લાના બારડોલીમાં ગુરુવારે 100થી વધુ કેસ નોંધાયા હતા. છતાં શહેરમાં કેટલીય જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સ કે કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવતું નથી.
આ પણ વાંચોઃ બારડોલીમાં વહીવટી તંત્ર થયું સતર્ક, વિકેન્ડ લોકડાઉન કર્યૂ જાહેર
દુકાનોમાં ભીડ છતાં થતી નથી કાર્યવાહી
બારડોલીમાં ગત અઠવાડિયે 13થી 18 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન બાદ બજાર ખૂલતાં જ દુકાનોમાં લોકોની ભીડ જમા થવા લાગી હતી. કોરોના ગાઈડ લાઇનનું પાલન કરાવવામાં વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પણ તદ્દન નિષ્ક્રિય જોવા મળ્યું હતું. પોલીસ માત્ર રસ્તાઓ પર મોટર સાયકલ પર જતાં લોકો પાસેથી દંડ વસૂલવામાં વ્યસ્ત જોવા મળી રહી છે. જ્યારે દુકાનોમાં લોકોની ભીડ ઉમટી રહી હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. એ જ રીતે દુકાનદારોના રેપિડ ટેસ્ટ કરવા બાબતે પણ વહીવટી તંત્ર દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવી હતી. પરંતુ બજારમાં ક્યાય રેપિડ ટેસ્ટની ટીમ પણ નજરે પડતી નથી.