સુરતઃ ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. ત્યારે સુરતમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. પાંડેસરા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. પીપલોદ, અડાજણ, નાનપુરા, અઠવાલાઇન્સમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં મેઘ મહેર: સુરતમાં પાંડેસરાના નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકાર - ભારે વરસાદ
સુરતમાં સવારથી જ ભારે વરસાદના કારણે બમરોલી ખાડી ઓવર ફ્લો થઇ હતી. જેના કારણે પાંડેસરા અને ઉધના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. પાણી ભરાવાના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
કોરોના કાળમાં હવામાન વિભાગની આગાહી મુજબ ડાયમંડ નગરી સુરતમાં આજે કાળા ડિબાંગ વાદળો વચ્ચે સાર્વત્રિક વરસાદ પડ્યો છે. જેથી અન્ય રોગો વકરે તેની ભીતિ પણ સેવાઇ રહી છે. ખાસ કરીને પાંડેસરા અને ઉધના સિવાય શહેરના અઠવાલાઈન્સ, ઉમરા, ઘોડદોડ રોડ, પાર્લે પોઈન્ટ, નાનપુરા ચોક, અડાજણ, પાલ, વરાછા, કાપોદ્રા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. સુરતના પાંડેસરા ઉધનામાં બમરોલી ખાડી ઓવર ફ્લો થતા પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી થઈ રહી છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
સુરતમાં પડેલા ભારે વરસાદના કારણે સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઇ હતી. જ્યાં સુરતના ઉધના વિસ્તારમાં આવેલા મોરાજી વસાહતમાં વરસાદી પાણીમાં મંદિર પણ ગરકાવ થયું હતું. સમગ્ર ઝૂપડપટ્ટી વિસ્તારમાં કેડસમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોએ પોતાના બાળકોને નજીકમાં આવેલી આંગણવાડીમાં ખસેડવાની ફરજ પડી હતી. જોકે દર વર્ષે પડતા વરસાદ દરમિયાન આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોવાના કારણે લોકોએ પાલિકા તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. લોકોએ સમસ્યાનો કાયમી નિકાલ કરવા અંગેની માંગ પણ કરી હતી.