- બે દિવસથી મૃત માછલાં મળી આવતા તંત્ર હરકતમાં
- બારડોલીથી નમૂના લીધા બાદ ઉપરવાસમાં પણ પગેરું શોધવાના પ્રયાસો
- નદીનું પાણી શુદ્ધ કરવા નહેરમાંથી પાણી છોડાઈ રહ્યું છે
બારડોલી : મીંઢોળા નદીમાં દૂષિત પાણીને કારણે માછલા અને જળચર જીવજંતુઓ મરી જવાની ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. એસડીએમની સૂચના બાદ બારડોલી મામલતદારની ટીમ ઉપરાંત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પણ નમૂના લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. મંગળવારે બારડોલી નજીકથી પસાર થતી મીંઢોળા નદીમાં મૃત માછલા મળતા લોકો માછલા પકડવા પહોંચી ગયા હતા. આ દરમિયાન નદીમાં દૂષિત પાણી આવતું હોવાથી માછલાના મોત થઈ રહ્યા હોવાનું જાણવા મળતા આ અંગે નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી. પાલિકાએ તાત્કાલિક વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ બંધ કરી દીધો હતો.
બારડોલી એસડીએમે આપ્યા તપાસના આદેશ
બીજી તરફ બારડોલી એસડીએમ વી. એન. રબારીએ આ મામલે મામલતદારને તપાસના આદેશ આપ્યા હતા અને નમૂના લઈ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં રિપોર્ટ કરવા જણાવ્યું હતું. બુધવારે જીપીસીબીની ટીમ પણ બારડોલી આવી પહોંચી હતી. અહીં બારડોલી નાયબ મામલતદારની ટીમ સાથે તેમણે બારડોલીના રામજી મંદિર ઓવરા ઉપરાંત અલગ અલગ જગ્યાએથી પાણીના નમૂના લીધા હતા અને જ્યાંથી પાણી આવી રહ્યું છે તેના મૂળ સુધી પહોંચવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.