ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત: માંગરોળના ઝરણી ગામના લોકો કૂવાનું ગંદૂ પાણી પીવા માટે મજબૂર બન્યા - રસ્તો બિસ્માર હાલત

ગતિશીલ ગુજરાતમાં સુરત જિલ્લાના ટ્રાયબલ તાલુકાના ગામડાઓમાં પીવાનું શુદ્ધ પાણી ગામડાના લોકોના નસીબ નથી. માંગરોળના ઝરણી ગામના લોકો કૂવાનું ગંદૂ-દુષિત પાણી પીવા મજબૂર બન્યા છે.

water
માંગરોળના ઝરણી ગામના લોકો કુવાનું ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા

By

Published : Sep 14, 2020, 8:41 PM IST

સુરત: સુરત જિલ્લાના ટ્રાયબલ તાલુકાના ગામડાઓમાં પીવાનું શુદ્ધ પાણી ગામડાના લોકોના નસીબ નથી. માંગરોળના ઝરણી ગામના લોકો કૂવાનું ગંદૂ-દુષિત પાણી પીવા મજબુર બન્યા છે. ગામડાના લોકો રાજ્યના મુખ્યપ્રધાન અને પાણી પુરવઠા પ્રધાનને હાથ જોડીને એટલું જ કહી રહ્યાં છે કે, સાહેબ રોજગાર નથી જોતી, વિકાસ નથી જોતો, પરંતુ જીવવા માટે શુદ્ધ પાણી તો આપો.

માંગરોળ તાલુકાના ઝરણી ગામ વસ્તી લગભગ 800ની આસપાસ છે. આ ગામમાં બોરસદ દેગડિયા જૂથ યોજના હેઠળ લાખો રૂપિયાના ખર્ચે ઝરણી ગામમાં લાખો લિટર પાણી સંગ્રહ કરી શકાય એવા સમ બનાવવામાં આવ્યા છે. આમ છતાં પણ આ ગામના લોકો કૂવાનું દુષિત અને ગંદૂ પાણી પીવા મજબુર બન્યા છે. વર્ષ 1972માં ઝરણી ગામે કૂવો બનાવવામાં આવ્યો હતો. આજે આ કૂવો જર્જરિત હાલતમાં છે. જેથી વરસાદી અને સમનું પાણી ચોમાસાના આ કૂવામાં ઠલવાય છે.

સુરત: માંગરોળના ઝરણી ગામના લોકો કૂવાનું ગંદૂ પાણી પીવા માટે મજબૂર બન્યા

ઝરણી ગામના લોકો સ્થાનિક નેતા અને પાણી પુરવઠા અધિકારીઓને ફરિયાદ કરી થાકી ગયા છે, પરંતુ કોઈ પીવાના પાણી મુદ્દે જવાબ આપવા તૈયાર નથી. ગામમાં હેન્ડ પંપ છે, નળ કનેક્શન છે, પરંતુ તેમાં આજદિન સુધી ક્યારે પાણી આવ્યું નથી. કરોડો રૂપિયાની બોરસદ-દેગડિયાની પાણી પુરવઠા યોજના કાર્યરત છે. આ યોજના આજે પણ માંગરોળના કેટલાય ગામો સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડી શકી નથી. ગામના સ્મશાન જવાનો રસ્તો બિસ્માર હાલતમાં છે. વાંકલ કૉલેજ જવાનો શોર્ટ-કટ માર્ગ પણ બિસ્માર હાલતમાં છે. સુરત જિલ્લાના ઓલપાડ અને માંગરોળ આ 2 તાલુકામાં કરોડો રૂપિયાના વિકાસના કામો થયા છે. આમ છતાં પણ કેટલાક ગામમાં પાયાની સુવિધાનો અભાવ છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત મોડલની ચર્ચા સમગ્ર દેશમાં કરવામાં આવે છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલે આજે પણ ગુજરાતમાં અનેક ગામો સુવિધાથી વંચિત છે. સુરતના ટ્રાયબલ તાલુકામાં ચોમાસામાં સોથી વધુ વરસાદ પડે છે, પરંતુ વરસાદી પાણીનો સંગ્રહ ના થવાને કારણે માંગરોળ, ઉમરપાડા તાલુકાના ગામોમાં ઉનાળામાં પીવાના પાણીનું સંકટ સર્જાય છે. માંગરોળ તાલુકાનું આ ઝરણી ગામ ચોમાસામાં પીવાના પાણી માટે સંઘર્ષ કરી રહ્યું છે. નળ કનેક્શન, હેન્ડ પંપ, સમ હોવા છતાં કૂવાનું દુષિત પાણી પીવા ગ્રામજનો મજબૂર બન્યા છે.

ABOUT THE AUTHOR

...view details