કહેવાય છે જળએ જીવન છે.નાનપણથી આ વાત ભણાવામાં આવતી હતી અને તેનું પ્રત્યક્ષ રૂપ છેલ્લા કેટલાક વર્ષોથી જોવા મળે છે. કારણકે જરૂરિયાતથી ઓછો વરસાદ પડતો હોવાના કારણે દેશના મોટાભાગના લોકોને પાણીની અછતનો સામનો કરવો પડે છે.આ સમસ્યાને કારણે દેશભરના લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે.પાણીની અછત વચ્ચે રહેતા લોકોને જોઈ સુરતના પોશ વિસ્તાર સિટી લાઈટમાં રહેતા લોકોએ અનોખી પહેલ કરી છે.
પદ્મકીર્તિ એપાર્ટમેન્ટના રહીશોએ પોતાના એપાર્ટમેન્ટના છત પર વરસાદી પાણી જે ગટરોમાં વહી જતું હતું એ પાણીનો ઉપયોગ કરવા વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઉભી કરી હતી. આ વિશેમાં એપાર્ટમેન્ટમાં રહેતા ડી.પી. ગુપ્તાએ જણાવ્યું હતું કે,અપાર્ટમેન્ટના 40 ફ્લેટના રહેવાસીઓએ માત્ર એક-એક હજાર રૂપિયા આપ્યા હતા. આ રૂપિયાથી એપાર્ટમેન્ટમાં રેઇન-વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઉભું કરવામાં આવ્યું હતું.આ સિસ્ટમના કારણે ચોમાસાના માત્ર ચાર મહિનામાં પાણી એકત્ર થઈ શકશે. આ પાણીને લોકો 1 વર્ષ સુધી ઉપયોગમાં લઇ શકાશે.
સુરતના પદ્મકીર્તિ એપાર્ટમેન્ટના રહીસોનો અનોખો પ્રયાસ રેઇન-વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા એપાર્ટમેન્ટની આગાસીમાં પાણી નીકળવા માટે પાઇપ નાખવામાં આવી છે.આ પાઇપ કુંડીમાં જાય છે અને જાળી થકી ડબલ ફિલ્ટર થાય છે. ત્યાર બાદ બીજી અને ત્રીજી કુંડીમાં પાણી જાય છે. છેલ્લી કુંડી ભરાતા પાઈપથી બોરમાં પાણી ઉતારવામાં આવે છે. રેઇન-વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ માટે બોરિંગ બનાવવામાં આવ્યા છે.
એપાર્ટમેન્ટમાં રહેતા અને કાપડના વેપારી દેવ કિશન મંગાનીએ જણાવ્યું હતું કે, આ વર્ષે એપાર્ટમેન્ટમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવી છે. વરસાદનું પાણી જેવું એપાર્ટમેન્ટની અગાસી પર પડે કે તરત જ પાઇપથી એક પછી એક એમ ચાર કુંડીમાં ફિલ્ટર થઈ સીધું બોરમાં એકઠું થાય છે. જ્યાંથી આ પાણીને મોટર વડે એપાર્ટમેન્ટની ટાંકીમાં ભરીને તે પાણીનો ઉપયોગ ઘરમા કામ માટે કરવામાં આવે છે.
જે કાર્ય પદ્મકીર્તિ એપાર્ટમેન્ટના લોકોએ કરી બતાવ્યું છે તે જવાબદારી જો દેશના અન્ય લોકો સમજતા થાય તો નિશ્ચિત છે કે આવનાર વર્ષોમાં લોકોને પાણીની અછતની સમસ્યામાં મોટી રાહત મળશે.