- રૂપિયા 10થી લઈ 100 રૂપિયાની કુપન છપાવવામાં આવી
- સામાન્ય હિન્દુ પરિવાર પણ યોગદાન આપી શકશે
- દક્ષિણ ગુજરાત VHPના મંત્રીએ સંબોધી પત્રકાર પરિષદ
બારડોલી/સુરત: અયોધ્યામાં નિર્માણ પામનારા રામ મંદિર માટે લોકોનો સહયોગ મળી રહે તે માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રીરામ જન્મભૂમિ નિધિ સમર્પણ સમિતિની રચના કરવામાં આવી છે. તેની કામગીરીની માહિતી માટે શુક્રવારના રોજ બારડોલીમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નિમાયેલી શ્રી રામમંદિર જન્મભૂમિ નિધિ સમર્પણ સમિતિની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં નિર્માણાધિન રામમંદિર માટે નિધિ કેવી રીતે એકત્ર કરી શકાય તે અંગે જાણકારી આપવામાં આવી હતી.
રામમંદિર નિર્માણમાં નિધિ સહયોગ માટે VHPની અપીલ દરેક વ્યક્તિને રામ સાથે જોડવાનો પ્રયાસ
બારડોલીના અલંકાર સિનેમાની બાજુમાં આવેલી સમર્પણ અભિયાન કાર્યાલય ખાતે શ્રીરામ મંદિર જન્મભૂમિ નિધિ સમર્પણ સમિતિની પત્રકાર પરિષદમાં દક્ષિણ ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી વિક્રમસિંહ ભાટીએ જણાવ્યું હતું કે, ભવ્યથી અતિભવ્ય રામ મંદિરના નિર્માણ માટે દેશના સામાન્યથી સામાન્ય હિન્દુ પરિવાર પાસેથી સહયોગ લેવામાં આવશે. દરેક વ્યક્તિ રામ સાથે જોડાય તેવા રાષ્ટ્રીય સ્વાભિમાનની પુનઃ પ્રતિષ્ઠાના ઉદેશ્ય સાથે આ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
હિન્દુ સમાજને સમર્પણ નિધિ અભિયાનમાં જોડાવા અપીલ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકોનો વધુને વધુ સહયોગ મળે તે માટે સામાન્ય માણસને પોષાય તે રીતે 10 રૂપિયાથી લઈ 100 રૂપિયા જેવી સામાન્ય રકમની રસીદ બનાવવામાં આવી છે. આ ઉપરાંત જેમણે વધુ સહયોગ આપવો હોય તેઓ પણ આપી શકે તે પ્રમાણેનું આયોજન કરાયું છે. તેમણે સમગ્ર હિન્દૂ સમાજને આ સમર્પણ નિધિ અભિયાનમાં જોડાવવા આહવાન કર્યું હતું.