- 25 જાન્યુઆરીએ જલપાઈગુડીથી થયું હતું અપહરણ
- દિલ્હીની એજન્સીએ સુરત મોકલી હતી યુવતીને
- પોલીસને દયનીય હાલતમાં મળી હતી યુવતી
સુરત: પશ્ચિમ બંગાળની એક યુવતીને અપહરણ કરી દિલ્હીમાં પુરી રાખવામાં આવી હતી. ત્યારબાદ સુરતના એક કાપડ વેપારીએ દિલ્હીથી લાવી લોકોની જાણ બહાર પોતાના ઘરમાં ઘરકામ કરવા માટે બંધ કરી દીધી હતી. આ યુવતી 25 જાન્યુઆરીના રોજ પોતાના ઘરેથી નીકળી હતી, ઘરે ન પહોંચતા આજુબાજુ શોધખોળ કરી હતી અને જલપાઈગુડીના સ્થાનીય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી. ત્યાં જ જલપાઈગુડી પોલીસને માહિતી મળી કે, આ યુવીતીને અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરીને દિલ્હી લઈ જવામાં આવી છે. ત્યારે પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
યુવતીને અપહરણ કરી દિલ્હીથી સુરત મોકલવામાં આવી
જલપાઈગુડી પોલીસે આપેલી માહિતી મુજબ, આ યુવતીને દિલ્હીની ચૌહાણ બ્રધર્સ પ્લેસમેન્ટ એજન્સીને સોંપી હતી અને તેનો ફોન પણ કબ્જે કરી લેવાયો હતો. ત્યારબાદ ચૌહાણ બ્રધર્સ પ્લેસમેન્ટ એજન્સીએ આ યુવતીને સુરતના ઘોડદોડ રોડ પર આવેલા મેઘરથ એપાર્ટમેન્ટમાં રહેતા કાપડ વેપારી સત્યનારાયણ રાઠીના ઘરે મુકી ગયા હતા. આ વાતની જાણ દિલ્હીના મિશન મુક્ત ફાઉન્ડેશનને થતા તેમણે જલપાઈગુડીના ACPને જાણ કરી હતી અને અને તેમણે સુરત ઉમરા પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સંસ્થાને મળી સફળતા
ઉમરા પોલીસના પોલીસ સબ ઇસ્પેક્ટર એ.જ.ચૌધરીને આ ઘટનાની તપાસ સોંપાઈ હતી તેમણે સુરતની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સંસ્થા સાથે મળીને સત્યનારાયણ રાઠીના ઘરમાં તપાસ કરતા ઉમરા પોલીસને આ યુવીતી મળી આવી હતી. હાલ આ યુવતીને સુરતના નારી ગૃહમાં રાખવામાં આવી છે. પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સંસ્થાએ જણાવ્યા અનુસાર, તે ઘરમાં યુવતીની હાલત ખૂબ જ દયનીય હતી અને તે પોતાની મુક્તિ માટે વિનંતી કરી રહી હતી. કાપડ વેપારી સત્યનારાયણ રાઠીના વિરુદ્ધમાં પણ FIR કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.