ઉમરપાડા તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ઉમરપાડા: જૂન,જુલાઈ મહિનામાં સારો વરસાદ વરસ્યા બાદ આખો ઓગસ્ટ મહિનાનો કોરેકોરો રહ્યો હતો. જેને લઇને ફરી નદી - નાળાઓમાં પાણી તળિયાઝાટક થઈ ગયા હતા. આકાશી ખેતી કરતા ખેડૂતોનો પાક પણ સુકાઇ જવાની આરે હતો. ખેડૂતોના પાકમાં અલગ અલગ જીવાતોએ પણ ઘર બનાવી દીધું હતું. જેને લઇને ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.
ખેડૂતોના પાકોને જીવતદાન:આજ રોજ મોડી રાત્રે ઉમરપાડા તાલુકાના કેવડી, જૂના ઉમરપાડા, ચવડા સહિતના ગામોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઇને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી અને ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા હતા. મેઘરાજાએ લગભગ એક કલાક સુધી તોફાની બેટિંગ કરતાં બજારો પાણી પાણી થઇ ગયા હતા. ખેડૂતોના પાકોને જીવતદાન મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઉમરપાડા તાલુકામાં વરસે છે પરંતુ આ ચોમાસાની સીઝનમાં જોઈએ તેવો વરસાદ હજુ વરસ્યો નથી.
' છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. લાંબા વિરામ બાદ આખરે વરસાદ વરસ્યો હતો. જેને લઇને ઉમરપાડા તાલુકાના ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. વરસાદ ખેંચાતા ખેડૂતોના પાક નષ્ટ થવાની શક્યતા હતી.' - શારદાબેન ચૌધરી, ઉમરપાડા તાલુકાના આગેવાન
સોયાબીનના પાક પર ટ્રેકટર ફેરવ્યું:સુરત જિલ્લામાં મોટાભાગના ખેડૂતો શેરડીની ખેતી કરે છે. ત્યારે હાલ વરસાદ ખેંચાતા શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ વધી ગયો હતો. જેના કારણે શેરડીના પાન કાળા પડી ગયા હતા અને શેરડીનો ગ્રોથ પણ અટકી ગયો હતો. જેની સીધી અસર શેરડીના ઉત્પાદન પર પડી હતી. તેમજ સોયાબીનના પાકમાં ઈયળો ઉપદ્રવ વધી ગયો હતો. ઈયળોના કારણે મોટાભાગનો પાક હાલ નષ્ટ થઈ ગયો હતો. જો ખેડૂતો આ પાકને બચાવવા મોંઘીદાટ દવાનો ઉપયોગ કરે તો સોનાના કરતા ઘડામણ વધે તેવી સ્થિતિ સર્જાઈ હતી. જેને લઇને ઘણા ખેડૂતોએ કઠણ હૈયું રાખી સોયાબીનના પાક પર ટ્રેકટર ફેરવી દીધું હતું.
- Ahmedabad Safari Park : અમદાવાદના ગ્યાસપુર ખાતે 500 એકરમાં સફારી પાર્ક નિર્માણ પામશે
- Vapi-Shamlaji National Highway: બિસ્માર બનેલા વાપી-શામળાજી નેશનલ હાઇવે પર કોંગ્રેસનું ખાડાપૂજન, સપ્તાહમાં ડામર રોડ નહિ બને તો રસ્તા રોકો આંદોલન કરશે