- હવામાન વિભાગ દ્વારા 2થી 6 જૂન સુધીના હવામાનની આગાહી
- તમામ તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના
- અઠવાડિયામાં 2 દિવસ જિલ્લા કૃષિ હવામાન એકમ દ્વારા હવામાનની આગાહી કરવામાં આવે છે
સુરત: જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હવામાન કેવું રહેશે તે અંગે કૃષિ હવામાન એકમ દ્વારા અઠવાડિયામાં 2 દિવસ આગાહી કરવામાં આવે છે. આજે મંગળવારના રોજ કરવામાં આવેલી આગાહી મુજબ જિલ્લામાં તાલુકા વાર હવામાન કેવું રહેશે તે અંગે વિગતવાર અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ આગામી 3 દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી
તાલુકાઓમાં આ દિવસો દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી
બારડોલીની વાત કરવામાં આવે તો બારડોલી તાલુકામાં 2થી 6 જૂન દરમિયાન આકાશ મહદઅંશેથી મુખ્યત્વે વાદળછાયું રહેવાની સંભાવના છે, જ્યારે 4 જૂનના રોજ મધ્યમ વરસાદ તેમજ તારીખ 3, 4 અને 5 જૂનના રોજ અતિ હળવા વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. હવામાં સરેરાશ ભેજનું પ્રમાણ 38થી 80 ટકા તેમજ નૈઋત્ય દિશા તરફથી 10થી 18 કિમી/કલાકની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે. સુરત શહેરને અડીને આવેલા ચોર્યાસી અને કામરેજ તાલુકામાં 4 અને 5 જૂનના રોજ મધ્યમ વરસાદની સંભાવના તેમજ 3 અને 6 જૂનના રોજ અલ્પ માત્રમાં વરસાદની સંભાવના રહેલી છે. મહુવા તાલુકામાં 4 અને 6 જૂનના રોજ હળવા વરસાદ તેમજ 5મીએ અલ્પ માત્રામાં વરસાદ થવાની વકી છે. માંડવીમાં 4 અને 6 જૂનના રોજ અલ્પ માત્રામાં વરસાદ થાય તેવી શક્યતાઓ છે. માંગરોળ તાલુકામાં 5મીજૂનના રોજ હળવો વરસાદ તેમજ 3, 4, અને 6 જૂનના રોજ અલ્પમાત્રામાં, ઓલપાડ તાલુકામાં આકાશ ચોખ્ખું રહેશે તેમજ 3 જૂન બાદ આકાશ મહદઅંશે વાદળછાયું રહેશે. 4 જૂનના રોજ મધ્યમ વરસાદ અને 5મીના રોજ હળવા વરસાદની સંભાવના વર્તાઇ રહી છે. પલસાણા તાલુકામાં 4 જૂનના રોજ મધ્યમ તેમજ 3 અને 5 જૂનના રોજ અતિ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.