સુરત શહેરમાં એક જ દિવસમાં એક જ પરિવારના બે સભ્યોના મોત સુરત :શહેરમાં એક જ દિવસમાં એક જ પરિવારના બે સભ્યોના મોત થવાની ઘટના સામે આવી છે. શહેરના સચિન વિસ્તારમાં આવેલ દર્શન સોસાયટીમાં રહેતી 35 વર્ષીય નિર્મલાદેવી અને આ પરિવારની જ 6 દિવસ અગાઉ જન્મેલી બાળકીનું મોત થયું છે.
એક સાથે બે મોત :આ બાબતે મૃતક બાળકીના પિતા રઘુવીર યાદવે જણાવ્યું કે, અમારા ઘરમાં 6 દિવસ પહેલા લક્ષ્મી આવી હતી. આજે અમારી દિકરી અને મારા ભાભી નિર્મલાદેવીનું મોત થયું છે. પરિવારમાં પત્ની અને એક દીકરી છે. પત્ની પ્રેગ્નન્ટ છે અને ડિલિવરીનો સમય થઈ ગયો હોવાથી વતનથી મેં મારી ભાભી નિર્મલાદેવીને મદદ અર્થે બોલાવ્યા હતા. દરમિયાન 6 દિવસ પહેલા મારી પત્નીએ બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીને જન્મની સાથે ચામડીનો રોગ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેની હાલત ખૂબ જ ગંભીર હતી.
મહિલાને કરંટ લાગ્યો : રઘુવીર યાદવે વધુમાં જણાવ્યું કે, આજે સવારે ભાભી ઘરમાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન કોઈક રીતે તેમને કરંટ લાગી જતા તેઓ બેભાન થઈ ગયા હતા. તેઓને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર ડોક્ટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા.
મારી દીકરીનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પત્નીને આ ત્રીજી ડિલિવરી હતી. પહેલી મોટી દીકરી બાદ બીજી ડિલિવરી દરમિયાન પણ બાળકીનું મોત થયું હતું. જ્યારે હવે ફરી જન્મના 6 દિવસમાં જ દીકરીનું મોત થતાં અમારો આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. જ્યારે મારી પત્ની આઘાતમાં ભાંગી પડી છે.-- રઘુવીર યાદવ (મૃતક બાળકીના પિતા)
6 વર્ષની બાળકીનું મૃત્યુ : સત્તાવાર મળતી માહિતી અનુસાર દર્શન સોસાયટીમાં રહેતા 35 વર્ષીય મહિલાને તેમના ઘરમાં જ વીજ કરંટ લાગ્યો હતો. આજરોજ તેમના ઘરમાં કોઈ વાયર કટ થઈ ગયા બાદ દરવાજામાંથી કરંટ પસાર થતા તેઓને કરંટ લાગતા તેઓ બેભાન થઈ ગયા હતા. તેઓને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા.
પરિવાર શોકમાં ગરક :જ્યારે બીજી બાજુ તેમના જ પરિવારમાં 6 દિવસ પહેલા જન્મેલી બાળકીનું પણ આજે મોત થઈ ગયું હતું. આમ એક સાથે બે સભ્યોના મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પરિવારનું રુદન આખા હોસ્પિટલના માહોલને ગમગીન કરી ગયું હતું. જોકે નિર્મલાદેવીને કરંટ કઈ રીતે લાગ્યો તે અંગે સચિન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
- Kaushambi Honor Killing: પ્રેમી સાથે મોબાઈલ પર વાત કરતી યુવતીની પરિવારે કુહાડીથી હત્યા કરી નાખી
- Surat Crime News : સુરત જિલ્લામાં અસામાજીક પ્રવૃતિ આચરનાર બે આરોપીને LCB ટીમે પાસામાં ધકેલ્યા