સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા મમતા પાર્ક સોસાયટી-2માં રહેતા રણછોડ જાદવ લખાણી ગત 3 ડિસેમ્બરે ઘરની બહાર મોપેડ પાર્ક કરી ડિકીમાંથી બેગ કાઢી રહ્યા હતા. ત્યારે એક બાઇક પર આવેલા બે બાઇકર્સ રણછોડભાઈના હાથમાંથી બેગની ચીલઝડપ કરીને નાસી ગયા હતા. ત્યારે બેગમાં 5.36 લાખ રૂપિયાના ઘરેણાં હતા. તે સમયે ક્રાઈમ બ્રાન્ચે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.
આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, કાપોદ્રામાં ચોરી કરનારા સરથાણા કેનાલ રોડ પર આવવાના છે. જેના આધારે બે આરોપીને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ પોલીસે આરોપી સિન્ટુ રાજુ ગ્વાલા અને સંદન મુખલાલ ગ્વાલાની તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન આરોપી પાસેથી સોનાનાં ઘરેણા,બાઇક, લોક તોડવાના સાધનો, 7 ફોન મળીને કુલ 7.55 લાખ રૂપિયાની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દેશભરમાં ચોરીનો આતંક મચાવનાર ગેંગના 2 શખ્સની ધરપકડ પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપીઓ વેસ્ટ બંગાળના જલપાઈગુડીથી સુરત આશરે 2100 કિલોમીટરનું અંતર કાપી સુરત ચોરી કરવા આવ્યા હતા. આ ઉપરાંત તેમણે અમદાવાદ, વાપી, વડોદરા અને આણંદમાં પણ ચોરી કરી હતી. સુરતમાં ચોરી કરવા આવ્યા તે પહેલા તેઓ બાઇક પર જલપાઈગુડીથી બિહારના પટના સુધી બાઇક પર આવ્યા હતા. જલપાઈગુડીથી પટના સુધી પહોંચવા દરમિયાન ત્રણ-ચાર દિવસ રોકાઈને ચોરી કરી હતી. જો કે, પટનામાં ચોરી કરી શક્યા નહોતા. ત્યારબાદ તેમણે પટનાથી ટ્રેનમાં બાઇક પાર્સલમાં અમદાવાદ મોકલી આપી હતી. બાદમાં તે પોતે પણ અમદાવાદ આવ્યા હતા. ત્યાંથી અલગ-અલગ જગ્યાએ ચોરી કરીને તે પરત સુરત આવ્યા હતા."
સુરત પોલીસ દ્વારા પકડાયેલા આ બન્ને તસ્કરોએ તેની ગેંગ સાથે મળીને દેશભરમાં 150થી વધુ ચોરીઓને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું હતું. તેમજ તેમની ગેંગ બાઈક પર બે અને ચારની જોડીમાં નીકળતા અને ચોરીને અંજામ આપતા હતા.
આ રીતે એક સરખી મોડસ ઓપરેન્ડીથી તસ્કરોએ લગભગ 30 ગુના કર્યા હોવાનું કબૂલ્યું હતું. જેમાં તેમણે પટનામાં 4, કલકત્તામાં 2, વારાણસીમાં 2, આસામમાં 6, ગુજરાતમાં 15, દમણમાં 1 એવી રીતે કુલ મળી 30 ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. ત્યારબાદ પોલીસે આરોપીઓ પાસેથી પશ્ચિમ બંગાળની પાર્સિંગ કરેલી બાઈક અને ચોરીનો 7.55 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.