ગુજરાત

gujarat

ETV Bharat / state

વાઘેચા નજીક તાપીમાં ન્હાવા પડેલા સુરતના બે મિત્રોના ડૂબી જતા મોત - Bardoli news

બારડોલી તાલુકાના વાઘેચા ગામે તાપી નદીમાં સોમવારે સાંજે ન્હાવા પડેલા સુરતના બે મિત્રો ડૂબી ગયા હતા. મોડી સાંજે ડૂબ્યા હોવાથી શોધખોળ કરવી મુશ્કેલ હતી. આથી બીજા દિવસે મંગળવારે સવારે બારડોલી અને સુરત ફાયર વિભાગની ટીમે શોધખોળ શરૂ કરી હતી. ભારે જહેમત બાદ બંને મિત્રોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Gujarat news
Gujarat news

By

Published : Jul 20, 2021, 7:50 PM IST

  • સોમવારે સાંજે સુરતથી મિત્રો ફરવા માટે આવ્યા હતા
  • નદીમાં ફરવા જતા બે મિત્રોને પાણીના વહેણમાં ન્હાવાની ઈચ્છા થઈ
  • અડધો કલાક બાદ પણ બહાર ન આવતા મિત્રોએ ડૂબી ગયા હોવાની શંકા વ્યક્ત કરી

સુરત: જિલ્લાના બારડોલી તાલુકાના વાઘેચા ગામે સોમવારે સાંજે ફરવા માટે આવેલા સુરત શહેરના 6 મિત્રો પૈકી બે મિત્રો તાપી નદીમાં ન્હાવા જતા ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. બારડોલી અને સુરતની ફાયર ટીમે બીજા દિવસે બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

આ પણ વાંચો: અરવલ્લી જિલ્લાના મોડાસામાં તળાવમાં ડૂબી જતા બે બાળકોના મોત

સુરતના 6 મિત્રો વાઘેચા ફરવા માટે ગયા હતા

સુરત શહેરના ગોડાદરા અને પુણા કુંભારીયા વિસ્તારમાં રહેતા અને સાથે અભ્યાસ કરતા 6 મિત્રો પ્રવીણ ઓમ પ્રકાશ જૈન (ઉ.વર્ષ 17, રહે, દર્શન રેસિડેન્સી, પુણા પાટિયા સુરત), પિયુષ સુજારામ ગહેલોટ (ઉ.વર્ષ 17, રહે 10, રાધેશ્યામ બંગલો, ગોડાદરા, સુરત), કૃષ્ણા જુગલકિશોર બહોરા, તુષાર નારાયણ ગોસ્વામી, રાહુલ ભરત રાઠોડ અને ખુશાલ ગોવિંદસિંહ ચૂંડાવત સોમવારે સાંજે બારડોલી તાલુકાના વાઘેચા ગામે આવેલા વાઘેશ્વર મહાદેવ મંદિરે ફરવા માટે આવ્યા હતા.

બે મિત્રો ન્હાવા ગયા અને બાકીના નદી કિનારે નાસ્તો કરતા હતા

6 પૈકી પ્રવિણ ઓમપ્રકાશ જૈન અને પિયુષ સુજારામ ગહેલોતે તાપી નદીમાં વચ્ચોવચ પસાર થતા વહેણમાં ન્હાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને બંને નદીમાં ન્હાવા માટે ઉતર્યા હતા. જ્યારે અન્ય મિત્રો નદી કિનારે નાસ્તો કરવા બેઠા હતા. અડધો કલાક જેટલો સમય થવા છતાં નદીમાં ન્હાવા ગયેલા મિત્રો બહાર નહીં આવતા તેઓ વહેણ નજીક ગયા હતા, પરંતુ બંને મિત્રો નહીં દેખાતા બુમાબુમ કરી હતી. કોઈ જવાબ નહીં મળતા અંતે તેમણે સગા સંબંધી તમેજ પોલીસને જાણ કરી હતી.

વરસાદી વાતાવરણ અને વરસાદને કારણે શોધખોળમાં આવી મુશ્કેલી

વરસાદી વાતાવરણ અને અંધારું થઈ ગયું હોવાથી શોધખોળમાં મુશ્કેલી આવી હતી. આથી કડોદ આઉટપોસ્ટના યોગેશભાઈ અને તેમની ટીમે સ્થળ પર પહોંચી ગુમ જાણવા જોગ ફરિયાદ નોંધી હતી અને બીજા દિવસે સવારે બંનેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

મંગળવારે બંને મિત્રોના મૃતદેહ મળી આવ્યા

આ દરમ્યાન મંગળવારે સવારે બારડોલી અને સુરતની ફાયર વિભાગની ટીમ દ્વારા ફરી શોધખોળ હાથ ધરાય હતી. મંગળવારે સવારે પ્રવિણ ઓમપ્રકાશ જૈનનો મૃતદેહ ફાયરની ટીમને હાથ લાગ્યો હતો. જ્યારે સાંજે 4 વાગ્યાની આસપાસ અન્ય યુવક પિયુષ સુજારામ ગહેલોતનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે પોસ્ટમોર્ટમ વિધિ પૂર્ણ કરી બંનેના મૃતદેહનો કબ્જો પરિવારજનોને સુપરત કર્યો હતો.

તરતા આવડતું ન હોવાથી અન્ય મિત્રોએ ન્હાવા જવાની ના પાડી હતી
વાઘેચા ગામે ફરવા માટે આવેલા 6 મિત્રો પૈકી એક પણ મિત્રને પાણીમાં તરતા આવડતું ન હતું. તેઓ નદીમાં પથ્થરો વચ્ચે ફરવા માટે ગયા હતા. જ્યાં એક સુંદર વહેણ આવતા પ્રવીણ અને પિયુષ ન્હાવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ અન્ય દોસ્તોએ ન્હાવા માટે ના પાડી હતી. જોકે તેમ છતાં બંને ન્હાવા ગયા હતા. જ્યારે અન્ય ચાર મિત્રો નદી કિનારે નાસ્તો કરવા બેઠા હતા. લાંબા સમય બાદ પણ ન્હાવા પડેલા બે મિત્રો બહાર નહીં આવતા સ્થળ પર જઈને જોતા તેઓ દેખાઈ શક્યા ન હતા. બુમો પાડવા છતાં પણ કોઈ જવાબ નહીં આવતા ડૂબી ગયા હોવાની શંકા જતા ચારેય મિત્રો ગભરાઈ ગયા હતા અને પરિવારજનોને જાણ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details