બોગસ પેઢી ઊભી કરી કરોડોનું કૌભાંડ આચરનાર બે ભેજાબાજ ઝડપાયા સુરત :ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે બોગસ પેઢી બનાવનાર બે ઠગબાજોની સુરત ઇકો સેલે ધરપકડ કરી છે. આ આરોપીઓએ નોટરીના બોગસ સહી સિક્કા કરી શાહ અને કેતન એન્ટરપ્રાઇઝીઝ ઊભી કરી હતી. બાદમાં આરોપીઓએ બોગસ આધારકાર્ડના આધારે જીએસટી નંબર મેળવી આ કૌભાંડ આચર્યું હતું.
ભેજાબાજોની ટેકનીક : બોગસ પેઢી દ્વારા માત્ર બિલિંગથી કેસ ક્રેડિટ મેળવવા માટે શાહ અને કેતન એન્ટરપ્રાઇઝીસ નામની બોગસ પેઢી ઊભી કરનાર ઠગ ટોળકીના બે ભેજાબાજની સુરત ઇકો સેલે ધરપકડ કરી છે. આ પ્રકરણમાં પોલીસે ઉમંગ પટેલ અને શોબન કુરેશી નામના બે ઇસમોની ધરપકડ કરી છે. આ લોકોએ ખોટા નામ અને સરનામાથી બોગસ પેઢીનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. એટલું જ નહીં જીએસટી નંબર મેળવવા માટે જે જરૂરી ડોક્યુમેન્ટ હોય છે તે પાલનપુર વિસ્તારમાં રહેતી મહિલા એડવોકેટ અને નોટરીના ખોટા સિક્કા અને સહીના આધારે મેળવ્યા હતા. જેના કારણે તેમની પોલ ખુલી ગઈ હતી.
બે ઠગની ધરપકડ :આ સમગ્ર મામલે મહિલા એડવોકેટએ સુરત આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ બાદ પોલીસે આ બે લોકોની ધરપકડ કરી છે. જ્યારે ટોળકીના અન્ય સભ્યોની તપાસ શરૂ કરી દીધી છે. ફરિયાદી મહિલા એડવોકેટ કીર્તનબેને પોલીસને જણાવ્યું હતું કે, સોએબ નામના વ્યક્તિએ બોગસ ભાડા કરારમાં ફોટો અને આધારકાર્ડ તેમજ પાનકાર્ડમાં જે વ્યક્તિની સહી કરી હતી તેના આધારે શાહ અને કેતન એન્ટરપ્રાઇઝીસ નામની કંપની બનાવી હતી. આ લોકો વેપાર નહીં માત્ર બિલિંગના આધારે કેસ ક્રેડિટ મેળવવા માંગતા હતા અને બે કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું.
બિલિંગ માટે બોગસ પેઢી બનાવી :સુરત ECO સેલના PI નરેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, આરોપી ઉમંગ પટેલ તેમજ શોબન કુરેશીએ વેપાર માટે નહીં પરંતુ બિલિંગ માટે બોગસ પેઢી બનાવી હતી. તેના આધારે તેઓ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવતા હતા. ટેકનિકલ એનાલિસિસ કરીને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી શોબન ભાવનગરનો જ્યારે ઉમંગ સુરતનો રહેવાસી છે. આ લોકોએ અન્ય કયા લોકોને બોગસ બિલ બનાવીને આપ્યા છે અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી છે તે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ.
- કીમ માંડવી સ્ટેટ હાઇવે પર કાર ચાલકે બે બાઇક અને એક રિક્ષાને અડફેટે લીધા
- બાઈકમાંથી પેટ્રોલ ચોરી કરી અને સિગારેટ પીવા માટે સળગાવી તો 16 બાઇક સળગી ઉઠી