સુરતઃ જિલ્લાના ઉમરપાડા ખોડા આંબા ગામના બે નાના ભૂલકાઓ કોરોના વાઇરસને માત આપી વતન પહોંચતા ગ્રામજનોએ હારતોરા કરી ભવ્ય સ્વાગત કર્યું હતું.
ઉમરપાડા તાલુકાના ખોડા આંબા ગામના કોરોના વાઇરસ પોઝિટિવ બે નાના ભૂલકાઓ સારવાર બાદ સ્વસ્થ થઈ પોતાના વતન આવી પહોંચતા ગામના સરપંચ સહિત ગ્રામજનોએ બાળકને હારતોરા કરી ભવ્ય સ્વાગત કર્યું હતું. સાથે આરોગ્ય વિભાગની ટીમનું પણ સ્વાગત કરાયું હતું.
ઉમરપાડા તાલુકાના બે ભૂલકાઓને કોરોનાની સારવાર દરમિયાન રજા આપાઇ તાજેતરમાં ખોડા આંબા અને ચોખવાડા ગામેથી બે ખેડૂતોના સેમ્પલ રિપોર્ટ કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યા હતા. તેઓને સારવાર માટે સુરત લઈ જવાયા હતા. ત્યારબાદ બન્ને ખેડૂતો રણજીતભાઈ લક્ષ્મણભાઈ વસાવા અને શુકકરભાઇ જાનીયાભાઇ વસાવાનાના ઘરના સભ્યોના સેમ્પલ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યા હતા.
જેમાં શુકકરભાઇ જાનિયાભાઇ વસાવાના પૌત્ર વૈદિક સુરેશ વસાવા અને કૃષાગ સુરેશ વસાવાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું.
તેમજ બન્ને ખેડૂતોના પરિવાર અને ગ્રામજનો ચિન્તાતુર બન્યા હતા. આ સમયે કેબિનેટ પ્રધાન ગણપતભાઈ વસાવા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપસિંહ રાઠોડ, જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ સાથે ચોખવાડા અને ખોડા આંબા ગામે દોડી આવ્યા હતા અને તકેદારીના પગલાં ભરવા તંત્રને સુચના આપી હતી, ત્યારબાદ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. વાઘ અને તેઓની આરોગ્ય ટીમ દ્વારા બન્ને ગામોમાં આરોગ્ય લક્ષી કામગીરી કરવામાં આવી હતી.
15 દિવસની સારવાર બાદ બન્ને ગામના કોરોના વાઇરસ પોઝિટિવ દર્દીઓ સારા થઈ જતા આરોગ્ય વિભાગની ટીમ તેઓને પોતાના વતન લઇ આવતા ગામના સરપંચ હરીસીંગભાઇ વસાવા અને ગ્રામજનોએ હારતોરા કરી સ્વાગત કર્યું હતું.
સરપંચ હરીસીંગભાઇ વસાવા પોતાનું ગામ કોરોના વાઇરસ મુક્ત થતાં તેમણે દુઃખના સમયમાં કોરોના વાઇરસ સામે ગામના લોકોને હુંફ આપી સહયોગ આપનારા કેબિનેટ પ્રધાન ગણપતભાઈ વસાવા જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપસિંહ રાઠોડ તેમજ આરોગ્ય વિભાગની ટીમ સ્થાનિક આરોગ્ય કમૅચારીઓ ઉમરપાડા પોલીસ સ્ટાફ સહિત કોરોના વાઇરસ તમાંમનો આભાર માન્યો હતો.