સુરત: માંડવીમાં પાટીદાર આગેવાન અને સ્ટોન કવોરીના માલિકના આત્મહત્યા કેસ મામલે સુરત જિલ્લા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.
સુરત જિલ્લાના માંડવીમાં સ્ટોન ક્વોરીના માલિક અને પાટીદાર આગેવાન દુર્લભ પટેલે આત્મહત્યા કરી હતી. અડાજણની ચોવીસ કરોડની જમીન લખાવી લેવા આરોપીઓ તરફથી તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ મૃતકના પુત્રએ કરી હતી, એટલું જ નહીં મૃતકે લખેલી સુસાઇડ નોટના આધારે માંડવી પોલીસે ચાર પોલીસ કર્મચારીઓ સહિત કુલ 11 લોકો સામે ગુનો નોંધયો હતો.
પાટીદાર આગેવાન અને સ્ટોન કવોરીના માલિક દુર્લભ પટેલ આત્મહત્યા કેસમાં બે આરોપીઓની ધરપકડ આ કેસમાં રેન્જ આઈજીની સૂચના બાદ એસ.આઈ.ટીની રચના કરવામાં આવી હતી. આ કેસની તપાસ કરી રહેલી એસ.આઇ.ટી અને બારડોલી પોલીસ મથકના D.Y.S.P રૂપલ સોલંકીએ ઘટનામાં સામેલ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. મુખ્ય આરોપી રાજુ લાખા ભરવાડ અને ભાવેશ સવાણી નામના આરોપીઓની ભરૂચ ટોલનાકા પાસેથી પોલીસે ધરપકડ કરી છે.
આરોપીઓ પ્રથમ રાજસ્થાન અને ત્યાર બાદ શ્રીનાથજી ખાતે રોકાયા હતા. જે બાદ ભરૂચથી પસાર થતા સમયે પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બે પૈકીના મુખ્ય આરોપી રાજુ લાખા ભરવાડ પાસેથી પોલીસે એક કાર, લાયસન્સવાળી રિવોલ્વર, જીવતા કાતુસ સહિત રોકડ રકમ મળી કુલ આઠ લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આ અંગે જિલ્લા રેન્જ આઈ.જી રાજકુમાર પાંડિયન અને બારડોલી ડી.વાય.એસ.પી રુપલ સોલંકીએ જણાવ્યું હતું કે, આરોપીઓ દ્વારા અગાઉ સુરત પોલીસમાં આ અંગે જમીનના વિવાદને લઈ દુર્લભ વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી. આરોપીઓ અને દુર્લભ પટેલ વચ્ચે જમીનનો સોદો થયો હતો.
જે બાદ ઇન્કમટેક્સની રેડ પડતા વાંધો પડ્યો હતો. જેથી જમીનના સોદામાં ભાગીદાર રહેલા રાજુ ભરવાડ અને ભાવેશ સવાની બહાર નિકળવા માગતા હતા. પોતાના રૂપિયા લેવાના હોય તેઓએ દુર્લભ પટેલ વિરૂદ્ધ રાંદેર પોલીસ મથકમાં પણ અરજી કરી હતી. જેની તપાસ કરી રહેલા રાંદેર પી.આઇ બોડાણાને એક સિનિયર સિટીઝન સાથે કરેલા અયોગ્ય વ્યવહાર અને કામગીરીને લઈ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓ પણ સામેલ છે. અન્ય આરોપીઓને ઝડપી પાડવા હાલ પોલીસની ટીમ પ્રયત્ન કરી રહી છે. જ્યાં ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ બાદ ઘટના અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવશે.