ગુજરાત

gujarat

ETV Bharat / state

અહીં ગ્રામજનો પોતાના જ ગામને કેમ કહે છે પૃથ્વીલોકનું નર્ક, પ્રધાનના મતક્ષેત્રમાં પ્રજા પરેશાન

સુરતઃ કાદવ-કીચડમાં ચાલતા બાળકો, બુઝુર્ગો અને મહિલાઓનું આ દ્રશ્ય માંગરોળ તાલુકાના હથુંરણ ગામનું છે. આ ગામ કેબિનેટ પ્રધાન ગણપતભાઈ વસાવાના મતવિસ્તારમાં આવેલું છે. દિવા તળે અંધારુ હોય એ કહેવત અનુસાર, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને હાલમાં ગુજરાત સરકારના કેબિનેટ પ્રધાન ગણપતસિંહ વસાવાના મતક્ષેત્રની તસવીર સરકારની તો નિષ્ફળતા દર્શાવે જ છે. આ વાસ્તવિક સ્થિતિ આદિવાસી સમુદાય પ્રત્યેની દુર્લક્ષતા દર્શાવી રહી છે.

આ ગામના લોકો પોતાના જ ગામને કેમ કહે છે પૃથ્વીલોકનું નર્ક, પ્રધાનના મતક્ષેત્રમાં પ્રજા પરેશાન

By

Published : Sep 25, 2019, 9:09 AM IST

રાજ્ય સરકારના ગણપતભાઈ વસાવા માત્ર આ વિસ્તારના પ્રતિનિધિ નથી, તેઓ ગુજરાત સરકારનો પણ ચહેરો છે. તેમ છતાં ખાટલે મોટી ખોટ એવી છે કે, તેમના મતવિસ્તારમાં લોકોને રસ્તાની સુવિધા પણ નથી મળતી. વિકાસ માટે મોડલરૂપ ગણાતા ગુજરાતનું આ વરવું ચિત્ર છે. ગણપતભાઈના મતક્ષેત્ર માંગરોળ તાલુકાના હથુંરણ ગામના ખડી ફળીયામાં 100થી વધારે આદિવાસી પરિવારો રહે છે. તંત્રની નિષ્કાળજી, ઉપેક્ષા અને દુર્લક્ષતાના કારણે આ વિસ્તારના લોકો નર્કમાં રહેતા હોવાનો અનુભવ કરી રહ્યા છે.

ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરવા છતાં તેમની સમસ્યા ગંભીરતાથી ધ્યાને લેવાતી નથી. આ વિસ્તારના લોકોને સતત ભય સતાવી રહ્યો છે કે, તેઓ ક્યાંય બહાર ગયા હોય તો તેમના સંતાનોની જવાબદારી કોની? મોટી ઉંમરના લોકો તો ગમે તે રીતે રસ્તા પર ચાલી જશે પણ બાળક કાદવમાં ખુંપી જશે અને ન બનવાનો બનાવ બનશે તો. ગામના તલાટી જયશ્રીબેન ડામોર એવું કહીને પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે કે, તેમણે ફેબ્રુઆરીમાં જ કાર્યભાર સંભાળ્યો છે. એક સાથે વિકાસ ન થાય. જે વિસ્તારમાં સમસ્યા છે ત્યાં પણ વિકાસના કામ થઈ રહ્યા છે.

આ ગામના લોકો પોતાના જ ગામને કેમ કહે છે પૃથ્વીલોકનું નર્ક, પ્રધાનના મતક્ષેત્રમાં પ્રજા પરેશાન

ગુજરાતની આગળ ગર્વથી વાઈબ્રન્ટ શબ્દ ઉચ્ચારવામાં આવે છે. પ્રધાનો અને રાજકીય નેતાઓ ગુજરાતની સિદ્વિઓ ગણાવતા થાકતા નથી, પરંતુ હજું ઘણુ કરવાનું બાકી છે. પ્રધાનોના મતવિસ્તારમાં જ જો આવી સ્થિતિ હોય તો અન્ય સ્થળે સમસ્યાઓ, મુશ્કેલીઓનો કેવો અને કેટલો મોટો ખડકલો હશે તે સમજી શકાય છે. નેતાઓ અને અધિકારીઓ માત્ર વાતોના વડા કરવાના બદલે આ લાચાર જનતાને વિકાસનો લાભ આપે અને તેમની મુશ્કેલીઓ દુર કરી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવે તેવી લાગણી અને માગણી ગ્રામજનોમાં પ્રવર્તી રહી છે.

ABOUT THE AUTHOR

...view details