સુરત : દર વર્ષે ઉત્તરાયણ પર્વ પૂર્વે પતંગની દોરીથી અનેક લોકો ઇજાગ્રસ્ત થવાની ઘટના સામે આવે છે, ઘણા લોકો માટે તો પતંગની દોરી પ્રાણઘાતક સાબીત થઈ છે. ત્યારે સુરતની એક યુવતી માટે પણ પતંગની દોરી પ્રાણઘાતક સાબીત થઈ હતી. યુવતીના ગળાના ભાગે અચાનક જ પતંગની દોરી આવી જતા તેનું ગળું કપાઈ ગયું હતું અને સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
દોરીએ લીધો યુવતીનો ભોગ: સુરત શહેરના મોટા વરાછા ખાતે આવેલા અમૃત રેસીડેન્સીમાં રહેતી 22 વર્ષીય દિક્ષિતા ઠુંમર પોતાનું સ્કૂટર લઈને નાના વરાછા બ્રિજ ઉપરથી પસાર થઈ રહી હતી, તે દરમિયાન અચાનક જ પતંગની દોરી આવી જતા દીક્ષિતાનું ગળું કપાઈ ગયું હતું. અને તે સ્કૂટર પરથી પટકાઈ હતી અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ઈજાગ્રસ્ત થયેલી આ યુવતીને 108 એમ્બ્યૂલન્સ દ્વારા તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.