સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં 50 ટકા ઓછી ખરીદીથી વેપારીઓ મુંઝાયા સુરત:ડાયમંડ નગરીની સાથે ટેક્સટાઈલના હબ ગણાતા સુરત શહેરમાં દરરોજ 4 થી લઈ 5 કરોડ મીટર કાપડ તૈયાર થાય છે, જે દેશના દરેક શહેર અને ગામડાઓ સુધી પહોંચે છે. એટલું જ નહીં બાંગ્લાદેશ, દુબઈ સહિત એશિયાના અનેક દેશોમાં સુરતનું કાપડ એક્સપોર્ટ થાય છે. અલગ -અલગ સિઝનમાં કરોડો રૂપિયાની ખરીદી કરવા માટે ભારતના અલગ અલગ રાજ્યોથી વેપારીઓ સુરત આવતા હોય છે, પરંતુ આ વખતે દિવાળી પર્વ પર તેનાથી વિપરીત સ્થિતિ જોવા મળી રહી છે. 45 દિવસના દિવાળી સિઝનમાં આ વખતે સુરતના વેપારીઓ પાસે બહારથી આવનાર વેપારીઓ ઇન્કવાયરી નથી કરી રહ્યા. દુકાનોમાં વેપારીઓ પોતાના કર્મચારીઓ સાથે એકલા જોવા મળી રહ્યા છે. દિવાળી પર્વ પર સુરત કાપડ માર્કેટ 12 હજાર કરોડ રૂપિયાનું વેપાર કરતું હોય છે પરંતુ આ વખતે ઘટીને 8 કરોડ રૂપિયા થઈ ગયો છે.
વેપારીઓની વ્યથા: સુરત શહેરના જે.જે માર્કેટમાં સાડીના વેપારી સુભાષ વ્યાસે જણાવ્યું હતું કે, દુર્ગા પૂજા માટેની ખરીદી સારી હતી ત્યારબાદ જ્યારે દશેરાની ખરીદી આવી ત્યારે પણ સારી ખરીદી થઈ નથી. દિવાળી માટે 15 દિવસ પહેલાથી જ વેપારી આવી જતા હતા પરંતુ આ વખતે વેપારીઓ આવ્યા નથી. મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના વેપારીઓ સવારે સુરત આવી જતા હતા અને આખા દિવસ ખરીદી કર્યા પછી રાત્રે પોતાના રાજ્ય માટે નીકળી જતા હતા. પરંતુ આ વખતે કોઈ વેપારી આવી રહ્યું નથી. આ વખતે ખરીદારી ઓછી છે. આશરે 50 ટકા સુધીની ખરીદારી ઓછી જોવા મળી રહી છે.
મારી પાસે યુપી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના વેપારીઓ ખરીદી માટે આવતા હોય છે. વેપારીઓ શ્રાધ પક્ષ સુધી આવ્યા હતા. પરંતુ ત્યાર પછી દિવાળીના પર્વ માટે તેમની કોઈ ઇન્કવાયરી આવી નથી. દિવાળી અને ત્યાર પછી લગ્નસરાની સિઝનમાં જે 200થી લઈ 250 રૂપિયા ની સાડીઓની માંગ હોય છે તે પણ આ વખતે જોવા મળી રહી નથી. કોઈ વેપારી અમને ઇન્કવાયરી કરી રહ્યા નથી. ફોન પણ કરી રહ્યા નથી. આ વર્ષે સુરત માર્કેટ ડાઉન રહ્યું છે. દિવાળી પર્વને લઈ અમને આશા હતી કે અમારો વેપાર ચાલશે પરંતુ આ વખતે ખરીદી નથી.(મુકેશભાઈ, રાજસ્થાની વેપારીઓના એજન્ટ અને સુરતના વેપારી )
સુરતમાં 225 જેટલી ટેક્સટાઈલ માર્કેટ:ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના પૂર્વ ડિરેક્ટર રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે, જ્યારે વડાપ્રધાન મોરારજી દેસાઈ હતા ત્યારે 50 વર્ષ પૂર્વ ટેક્સ્ટાઇલ માર્કેટની શરૂઆત તેમના દ્વારા કરવામાં આવી હતી. ત્યારથી જ સુરત ટેક્સટાઇલ માર્કેટ હબ બનવાની શરૂવાત થઈ. આજે 225 જેટલી માર્કેટ છે. આશરે 75 હજાર કાપડના વેપારીઓ છે. રોજે 4 કરોડથી લઈ 5 કરોડ મીટર કાપડ અહીં તૈયાર થાય છે. આશરે 400 થી પણ વધુ પ્રોસેસિંગ હાઉસ છે. ગયા વર્ષે 85 હજાર કરોડ રૂપિયાનો ટર્નઓવર હતું. આ વર્ષે 1 લાખ કરોડ ટર્નઓવર હશે એવું વિચાર્યું હતું.
આ વર્ષે 25 થી 30 ટકા ઓછો વેપાર: તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જોકે દિવાળી સીઝનની વાત કરવામાં આવે તો વેપારીઓ માટે આ 45 દિવસની સીઝન હોય છે. ભારતના જેટલા પણ રાજ્ય છે ત્યાં કાપડ જાય છે. અલગ અલગ માર્કેટ છે જ્યાં ડ્રેસ, સાડી અથવા તો અન્ય ફેબ્રિક તૈયાર થાય છે. દિવાળી પર્વની વાત કરવામાં આવે તો ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 25 થી 30 ટકા વેપાર ઓછો છે. આ વર્ષે આ સમયે સુરત થી અન્ય રાજ્યોમાં જે ટ્રક જતી હતી તેની સંખ્યા 450 થી પણ વધારે હતી, જોકે આ વખતે માત્ર 250 જેટલી ટ્રકો જઈ રહી છે. 15 દિવસ પહેલા દૂરની જે મંડીઓ છે જેમાં ખાસ કરીને દક્ષિણ ભારતમાં આવે છે, ત્યાં મોકલી દેવામાં આવે છે, અને જે નજીકની મંડીઓ છે. જેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ જેવા રાજ્યો સામેલ છે. ત્યાં દિવાળી સુધી કાપડ મોકલવામાં આવતું હોય છે, પરંતુ હાલ મંદી છે. દિવાળી પર્વ પર 12 હજાર કરોડની ખરીદી ગયા વર્ષે થઈ હતી આ વખતે 8 હજાર કરોડ રૂપિયાની ખરીદી થઈ છે.
- Surat Crime : સુરત ટેક્સટાઇલ માર્કેટમાં નકલી ચલણી નોટો વટાવવા આવેલાં ઝારખંડના રામુલેશ જોસેફની ધરપકડ
- Surat News : સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોકટરે બીજા ડોકટરની નજર સામે આપઘાતનો પ્રયાસ કર્યો