રાત્રે પરિવારના લોકો અગાશી પર મીઠી નીંદર માણી રહ્યું હતું, જે દરમિયાન તસ્કર ટોળકીએ લાભ ઉઠાવી લાખોની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ત્રણ પૈકીના એક મકાનમાં તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ચોરીની ઘટનાના પગલે તસ્કર ટોળકીએ પોલીસની નાઈટ પેટ્રોલિંગની પોલ પણ ખોલી છે. જ્યારે ઘટનાની જાણકારી મળતા ડીંડોલી પોલીસે ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લઇ તપાસ શરૂ કરી છે.
સુરતમાં તસ્કરોનો આતંક, એક જ રાતમાં ત્રણ ઘરને નિશાન બનાવ્યા - steal
સુરત: શહેરના ડીંડોલી વિસ્તારમાં તસ્કરોએ ફરી તરખાટ મચાવ્યો છે. એક જ સોસાયટીના ત્રણ જેટલા મકાનોને નિશાન બનાવી લાખોની રોકડ સહિત સોનાના ઘરેણાંની ચોરી કરી તસ્કર ટોળકી ફરાર થઈ ગઈ હતી.
ડીંડોલીના અંબિકા પાર્ક સોસાયટી-2માં ત્રણ જેટલા મકાનોને મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યા છે. ત્રણ પૈકીના બે મકાનોમાંથી ત્રણ લાખથી વધુની રોકડ રકમ તેમજ 17 તોલાથી વધુ સોનાના ઘરેણાંની ચોરી કરવામાં આવી છે. જ્યારે અન્ય એક મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો છે. અંબિકા પાર્ક સોસાયટી વિભાગમાં આવેલ સોસાયટીના મકાનમાં ઘરફોડ ચોરીની આ ઘટના બનવા પામી છે. જેમાં લાખોની ચોરીનો આંકડો બહાર આવી રહ્યો છે.
આ ઘટનાની જાણકારી ડીંડોલી પોલીસને આપવામાં આવી હતી. ઘટનાની જાણકારી મળતા ડીંડોલી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને એફએસએલ તેમજ ડોગ સ્ક્વોડની મદદ લઇ આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં તપાસ શરૂ કરી હતી. ત્રણ પૈકીના એક મકાનમાંથી રોકડ દોઢ લાખની ચોરી થઈ હતી.