- ફેબ્રુઆરી અને માર્ચ માસમાં બે વખત કરી હતી ચોરી
- બેટરી ચાર્જર અને એલિમેટર સહિત 1.36 લાખની ચોરી થઈ
- અગાઉ બે આરોપી ઝડપાઈ ચૂક્યા છે
બારડોલી: સુરત જિલ્લા પોલીસના હેડ ક્વાર્ટરમાંથી ચોરી કરી પોલીસને પડકાર ફેંકનાર અને 8 મહિનાથી નાસતા ફરતા વધુ એક આરોપીને જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ચોરોએ જિલ્લા પોલીસના હેડ ક્વાર્ટરને જ નિશાન બનાવી વાયરલેસ સ્ટોર રૂમમાંથી બેટરી, એલિમેટર સહિત કુલ 1.36 લાખના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. પોલીસે આ ગુનામાં અગાઉ બે આરોપીની ધરપકડ કરી હતી. 27 ફેબ્રુઆરીએ કામરેજના ઘલુડી ખાતે આવેલા સુરત જિલ્લા પોલીસના હેડ ક્વાર્ટરના વાયરલેસ સ્ટોરરૂમનો નકૂચો તોડી અંદરથી બેટરી ચાર્જર અને બેટરી એલિમેટર 13 કિમત રૂ. 5200ની ચોરી થઈ ગઈ હતી. આ અંગે કામરેજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. ત્યારબાદ બરાબર એક મહિના પછી 28 માર્ચે ફરી એક વખત વાયરલેસ સ્ટોરરૂમને નિશાન બનાવી અંદરથી બેટરી ચાર્જર અને બેટરી એલિમેટર નંગ 40 મળી કુલ રૂ. 1.36 લાખનો મુદામાલ કોઈ અજાણ્યા શખસ ચોરી કરી ગયા હતા. આ અંગે પણ કામરેજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ ગુનામાં પોલીસે અગાઉ રાહુલ ગોપાલભાઈ પટણી તથા શિવાભાઈ ઉર્ફે કાણિયો ધરમસીંગ વાસફોડિયાની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય એક આરોપી સંજય ઉર્ફે મચ્છર મનુ સોલંકી નાસતો ફરતો હતો.