- 3.20 લાખ રૂપિયાના વિદેશી દારૂ સાથે કુલ 5.31 લાખનો મુદ્દામાલ કબ્જે
- પોલીસે પીછો કરી ટેમ્પો ઝડપી પાડ્યો
- નાસીકથી લઈ અમદાવાદ પહોંચાડાઈ રહ્યો હતો દારૂ
સુરત: સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા જ વિદેશી દારૂની હેરાફેરીમાં વધારો થઈ રહ્યો છે. બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટેમાટે બુટલેગરો અવનવી તરકીબો અજમાવી રહ્યા છે. સુરતનાં બારડોલી નજીક પલસાણા પોલીસે ટેમ્પામાં ચોરખાનું બનાવીને કરવામાં આવતી દારૂની હેરાફેરીને ઝડપી પાડી છે. પલસાણા ખાતે ને.હા.નં-48 ઉપર પોલીસે એક ટેમ્પોને અટકાવવાની કોશિશ કરી હતી. પરંતુ ચાલક ટેમ્પો પૂરઝડપે હંકારી જતાં પોલીસે તેનો પીછો કર્યો હતો અને ઊંભેળ ગામ નજીક ટેમ્પો ઝડપી પાડ્યો હતો. ટેમ્પોની તલાશી લેતા પાછળના ભાગે ચોરખાનામાંથી 3.20 લાખના દારૂ મળી આવ્યો હતો. પોલીસે ચાલક અને ક્લીનરને ઝડપી પાડ્યા હતા જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યો હતો.
પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી
પલસાણા પોલીસની ટીમને બાતમી મળી હતી કે, નવસારી તરફથી એક સફેદ કલરનો ટાટા એસ કંપનીનો ટેમ્પો પલસાણા તરફ આવી રહ્યો છે અને આ ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. જે હકીકતના આધારે પલસાણા પોલીસે પલસાણા ખાતે મુંબઈથી અમદાવાદ જતાં ને.હા.નં-48 ઉપર વોચ ગોઠવી હતી.