પ્લાસ્ટિક અવિનાશી રાક્ષસરૂપી છે અને તેના વધુ ઉપયોગને લઈને સમગ્ર વિશ્વ આજે ચિંતિત છે. આવા સમયે સુરત મનપાના આરોગ્ય વિભાગે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા અંગેની થીમ પર સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગેનો સરળ પરંતુ સચોટ મેસેજ આપવા માટે પ્લાસ્ટિકનો એક વિશાળકાય રાક્ષસ બનાવ્યો છે. જેમાં પ્લાસ્ટીકની 5 હજાર બોટલ અને 3 હજાર કિલો લોખંડનો ઉપયોગ કરાયો છે.
આ પ્લાસ્ટિકનો રાક્ષસ 26 ફૂટનું સ્કલ્પચર છે. મહત્વની વાત એ છે કે, આ સ્કલ્પચરમાં ડબલ ફ્રેમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં આમેચર એટલે કે અંદરની ફ્રેમને બનાવામાં સ્ક્રેપ મેટલ એટલે કે જુના ઈલેક્ટ્રીક પાઈપનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી તેને તાકાત આપી શકાય. જ્યારે બહારની ફ્રેમમાં 12mm સ્કવેર બાર ફ્રેશ સ્ટીલ અને 6mm રાઉન્ડ સળિયા ખરીદીને લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ગર્ડરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.