સુરત: જિલ્લાનો ડાયમંડ ઉદ્યોગ વિશ્વભરમાં પ્રખ્યાત છે. હોંગકોંગ અને અમેરિકામાં સુરતના કટ અને પોલિશડ થયેલા ડાયમંડનું એક્સપોર્ટ કરવામાં આવે છે અને જ્યારથી ચીનમાં વાયરસની અસર શરૂ થઈ ત્યારથી જ હીરા ઉદ્યોગ પર પણ તેની અસર જોવા મળી હતી. હાલ ભારતમાં પણ કોરોના વાઇરસ પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર જનતાને અપીલ કરી છે કે, 22 મી એપ્રિલના રોજ દેશની પ્રજા જનતા કરફ્યુ રાખી પોતાના ઘરે રહે.
PM મોદીના 'જનતા ‘કરફ્યૂ'ને હીરા ઉદ્યોગનું સમર્થન, સંપૂર્ણ રીતે રહેશે બંધ - સુરત ન્યૂઝ
કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22મી માર્ચ રવિવારના રોજ દેશવાસીઓને જનતા કરફ્યુ રાખવા અપીલ કરી છે, ત્યારે સુરત હીરા ઉદ્યોગ પણ સંપૂર્ણ રીતે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પીએમ મોદીની અપીલ બાદ ડાયમંડ એસોસિયેશન સુરત દ્વારા નિર્ણય લેવાયો છે કે માત્ર રવિવાર જ નહીં શનિવારે પણ સ્વેચ્છાથી ડાયમંડ યુનિટો બંધ રાખી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ નિર્ણય બાદ સુરતના ડાયમંડ ઉદ્યોગ પણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ તકે સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ બાબુભાઈએ જણાવ્યું હતું કે, "શહેરના હીરા બજારોમાં બેનર અને બોર્ડ લગાવવામાં આવ્યા છે કે તેઓ 22મી એપ્રિલના રોજ હીરા ઉદ્યોગના તમામ યુનિટોને બંધ રાખશે. એટલું જ નહીં શનિવારે પણ લોકસુરક્ષાથી ધ્યાનમાં રાખીને ઉદ્યોગ બંધ રાખવામાં આવશે."
PM મોદીની અપીલ બાદ સુરત હીરા ઉદ્યોગ સંપૂર્ણ રીતે જનતા કરફ્યુના સહયોગમાં સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં આશરે નાના-મોટા 5000 જેટલા ડાયમંડ યુનિટ છે અને તેમાં સાત લાખ રત્નકલાકારો કાર્યરત છે. જે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ સંપૂર્ણ રીતે હીરાઉદ્યોગ બંધ રહેશે.