સુરત અગ્નિકાંડઃ 8 મહિના બાદ પણ ન્યાયથી વંચિત, મૃતકોના સ્વજનોએ આપી ઉગ્ર આંદોલનની ચીમકી
સુરત: શહેરના સરથાણા વિસ્તારમાં થયેલો તક્ષશિલા અગ્નિકાંડે દેશભરને હચમચાવી દીધો હતો. આ અગ્નિકાંડમાં 22 જેટલા વિદ્યાર્થીઓના કરૂણ મોત નિપજ્યા હતા. આ ઘટનાને સાત મહિના જેટલો સમયગાળો થયો હોવા છતાં પણ અત્યાર સુધી મૃતકોના પરિવારજનો ન્યાય માટે ઝંખી રહ્યા છે. આજે ફરી એકવાર સુરત પોલીસ કમિશ્નર ખાતે અગ્નિકાંડ મૃતકોના સ્વજનો પોલીસ કમિશ્નરને આવેદનપત્ર પાઠવી ઉચ્ચ અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવાની માંગણી સાથે હાજર રહ્યા હતા.
તક્ષશિલા અગ્નિકાંડમાં ૨૨ જેટલા વિદ્યાર્થીઓના કરૂણ મોત નિપજ્યા હતા.આ સમગ્ર ઘટનામાં અનેક અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી અને કેટલાકને તો જામીન પણ મળી ગયા છે. પરંતુ, અત્યાર સુધી મૃતકોના પરિવારજનો આ કાર્યવાહીથી સંતુષ્ટ નથી. આજે ફરી એક વખત મૃતકોના પરિવારજનો સુરતના નવા પોલીસ કમિશ્નર આર બી બ્રહ્મભટ્ટને મળવા પહોચ્યાં હતા અને આશરે 251 પેજનું આવેદનપત્ર પાઠવી આકારણી અધિકારી, સર્વેયર, ફાયરના અધિકારીઓ અને પાલિકાના ઉચ્ચ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. તેઓએ પોતે આરટીઆઇ હેઠળ દસ્તાવેજો એકઠા કરી પોલીસ કમિશ્નરને આપવા આવ્યા હતા. અગાઉ પણ તેઓ ત્રણ વખત ઉચ્ચ અધિકારીઓ સામે તપાસની માગ કરી ચૂક્યા છે.