દરેક બાબતે આગળ રહેનારા સુરતીઓ હવે ટ્રાફિકના દંડ ભરવામાં પણ નંબર વન બન્યા છે. રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમ આવ્યા બાદ સુરતમાં અત્યાર સુધીમાં કરોડો રુપિયાની રકમ વસુલવામાં આવી છે. છેલ્લા બે દિવસમાં રેકોર્ડ બ્રેક દંડ વસુલવામાં આવ્યો છે. મોટર વ્હીકલ એમેન્ડમેન્ટ 2019નો અમલ કરાવી તારીખ 21 નવેમ્બરે 18,75,000 હજાર જ્યારે 22 નવેમ્બરે 17,49,500 રુપિયાનો દંડ સ્થળ પરથી જ સુરત પોલીસે વસુલ્યો છે.
ટ્રાફિકના નવા નિયમોનું ઉલ્લંઘન કરવામાં સુરતીઓ નંબર વન - સુરત પોલીસ
સુરતઃ સમગ્ર રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે, ત્યારે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી દંડ ભરવામાં સુરત શહેરના લોકોએ ઇતિહાસ રચ્યો છે. ટ્રાફિક નિયમોનો નવો કાયદો આવ્યા બાદ સુરત એક એવું શહેર બન્યું છે કે, જ્યાં રાજ્યમાંથી સૌથી વધુ દંડ વસુલવામાં આવ્યો છે. માત્ર બે દિવસની વાત કરવામાં આવે તો સુરત શહેર ટ્રાફિક પોલીસે સુરતીઓ પાસેથી 36,24,500 રુપિયાના દંડની વસુલાત કરી છે.
ટ્રાફિકના નવા નિયમોનું ઉલ્લંઘન કરવામાં સુરતીઓ નંબર વન
સુરત પોલીસે અત્યાર સુધીમાં એવરેજ સાત લાખથી 10 લાખ સુધીનો દંડ વસુલ્યો છે, પરંતુ છેલ્લા બે દિવસમાં આ રેકોર્ડ બ્રેક દંડ વસુલવામાં આવ્યો છે. સુરતના ઇતિહાસમાં પ્રથમ ઘટના હશે જ્યારે માત્ર એક દિવસમાં 18 લાખથી વધુનો ટ્રાફિક દંડ વસુલાયો હોય. નવો નિયમ આવ્યા બાદ દરરોજ ટ્રાફિક પોલીસ દંડ વસુલી રહી છે, પરંતુ જે રીતે દંડની રકમ વધી રહી છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે, હજૂ સુધી સુરતના લોકો કાયદાને ગંભીર લઇ રહ્યા નથી. દંડ તો ભરી રહ્યા છે, પરંતુ કાયદાનો અમલ કરી રહ્યા નથી.