ગુજરાત

gujarat

ETV Bharat / state

લાકડીના પાંચ હજાર ફટકા બાદ મળતા લિજ્જતદાર પોંકનો સ્વાદ તમે માણ્યો ? જાણો પોંક કાઢવાની જટિલ પ્રક્રિયા - Complicated process of extraction

પોંકની લિજ્જત માણવાની શિયાળાની ઋતુ શરૂ થઈ છે. આ સાથે જ ગુજરાત સહિત મહારાષ્ટ્રના આદિવાસી કારીગરો સુરતમાં આવી રહ્યા છે. જે પોંકનો સ્વાદ આપ માણો છો તે પોંકના એક-એક દાણાને આદિવાસી કારીગરો માવજતથી કાઢ છે. જેના માટે સંગીતના તાલે પાંચ હજારથી વધુ ફટકા માર્યા બાદ આદિવાસી પરિવાર પોતાના પરિવારનું પેટ ભરે છે. ETV BHARAT ના આ અહેવાલમાં જાણો પોંક કાઢવાની જટિલ પ્રક્રિયા

જાણો પોંક કાઢવાની જટિલ પ્રક્રિયા
જાણો પોંક કાઢવાની જટિલ પ્રક્રિયા

By ETV Bharat Gujarati Team

Published : Dec 8, 2023, 10:58 AM IST

લિજ્જતદાર પોંકનો સ્વાદ તમે માણ્યો ?

સુરત :પોંક નગરી સુરતમાં પોંકની અલગ અલગ વેરાઇટી લોકોને આકર્ષી રહી છે. પરંતુ આ પોંકની વેરાઈટી જે લોકો પસંદ કરી રહ્યા છે તેમને જાણવું જરૂરી છે કે, જે લિજ્જતદાર પોંક તેઓ આરોગી રહ્યા છે તેનો એક એક દાણો મેળવવામાં ખૂબ સમય અને કાળજી જરૂરી છે. પોંકનો દાણો વેડફાઈ ન જાય આ માટે આદિવાસી સમાજના કારીગરો લાકડીથી ત્રણથી પાંચ હજાર ફટકા મારી પોંક કાઢતા હોય છે. આ પ્રક્રિયા દરમિયાન કારીગરોના હાથ પણ દુખે છે પરંતુ સંગીત તેમાં દવાનું કામ કરે છે. જુઓ સંગીતના તાલે પોંક કાઢવાની જટિલ પ્રક્રિયા

પોંકની લિજ્જત માણવાની ઋતુ : હાલ પોંકની સિઝન ચાલી રહી છે. શિયાળામાં લોકો પોંક ખૂબ જ પસંદ કરતા હોય છે. પરંતુ પોંકની વાનગી આપ સુધી પહોંચતા પહેલા આદિવાસી સમાજના કારીગરો પોંકના એક-એક દાણાની કાળજી લેતા હોય છે. સુરત શહેરમાં શિયાળાની ઋતુના અઢી મહિના પહેલાથી જ ગુજરાત અને મહારાષ્ટ્રના વિસ્તારોમાંથી આદિવાસી કારીગરો આવી જાય છે.

પોંક કાઢવાની જટિલ પ્રક્રિયા : પોંક કાઢવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ છે જે સામાન્ય લોકો કલાકો સુધી કરી શકતા નથી. આ કારીગરો હાથમાં એક લાકડી અને બીજા હાથમાં પોંકનો દાણો વેડફાઈ ન જાય તે માટે એક કાપડની મોટી કોથળીમાં જુવારના ડુંડા લઈને બેસે છે. તેઓ આ લાકડીથી જુવારના ડુંડાને ઝાટકા હોય છે. કારીગર 50-60 કે 100 નહીં પરંતુ દિવસ દરમિયાન એક કારીગર 4 થી 5 હજાર ફટકા મારે ત્યારે આપણે પોંકનો સ્વાદ ચાખીએ છીએ. માનસિક રીતે આ કાર્ય કરી શકે આ માટે એક તરફ આદિવાસી સંગીત પણ ચાલે છે, જેની ધૂન પર આ કારીગરો જુવારના ડુંડાને ફટકા મારતા હોય છે.

ખાસ તાલીમ પામેલા કારીગર : જુવારના ડુંડાને કાપી તેને ભઠ્ઠીમાં નજીવી ગરમી આપતા જ પૌંક તૈયાર થઇ જાય છે. જુવારના ડુંડામાંથી પોંકનો દાણો વેડફાય ન જાય તે માટે એક કાપડની મોટી કોથળીમાં ડુંડાને રાખીને એક લાકડી વડે ઝાટકવામાં આવે છે. તેથી દાણા કોથળીમાં એકઠા થાય છે. પોંકના દાણાને સુપડાથી અલગ તારવી તેનું વેચાણ કરવામાં આવે છે. પોક પાડવા માટે આદિવાસી વિસ્તારમાંથી ખાસ તાલીમ પામેલા કારીગરો સહ-પરિવાર સુરતમાં આવે છે. પરંતુ પોંક પાડવાનો ધંધો સિઝનલ હોવાથી નવા કારીગરો આ લાઈનમાં આવવા માંગતા નથી. પોંક પાડનાર કારીગરોની તંગી હોવાથી મજૂરીના દર વધી ગયા છે. પોંકની સીઝનમાં આદિવાસી સમાજના લોકોને રોજગારી મળી જાય છે.

પાંચ હજાર ફટકા બાદનો સ્વાદ : નંદુરબારથી આવનાર કારીગર જબ્બર ગડવીએ જણાવ્યું હતું કે, છેલ્લા 15 વર્ષથી અમે સુરત આવી રહ્યા છીએ. બહુ મહેનત કરવી પડે, ઝપાટા મારીને ખૂબ જ મહેનત કરવી પડે છે. હાથ પણ ખૂબ જ દુખે છે, આખો દિવસ કામ કરવું પડતું હોય છે. આખા દિવસમાં ગણાય નહીં તેટલા ઝપાટા અમે મારીએ છીએ. આશરે ચારથી પાંચ હજાર ઝટકા અમે રોજે મારીએ છીએ. સંગીત ચાલુ રહે તો એની ઉપર ધ્યાન રહે છે જેથી ઝપાટા મારવાથી થતી તકલીફ ઉપર વધારે ધ્યાન જતું નથી અને કામ કરતી વખતે દિલ ખુશ થઈ જાય. મહારાષ્ટ્રમાં અમને આટલી મજૂરી મળતી નથી એટલે આ બાજુ અમે પરિવાર સાથે આવીએ છીએ. હાથ દુખે ત્યારે મેડિકલ પર દવા લેવા જઈએ છે અને પટ્ટી બંધાવી પડે છે. આ વધારે દુખે પછી આદત થઈ જાય છે.

આદિવાસી કારીગરોની સ્થિતિ : અન્ય એક કારીગર રમેશે જણાવ્યું હતું કે, હું પણ નંદુરબાર વિસ્તારથી આવું છું. અમારી પાસે આટલા પૈસા નથી જેથી મજૂરી કરવા માટે અમે આ પોંકનગરીમાં આવીએ છીએ. અમે અહીં બે થી અઢી મહિના પહેલા જ આવી જઈએ છીએ. સવારે સાત વાગ્યાથી ઝાપટા મારવાની શરૂઆત કરીએ છીએ અને રાતે આઠ વાગી જાય છે. સારા જુવાર હોય તો એક વારમાં 500 ગ્રામ નીકળે છે. 500 ગ્રામ માટે અમે 100 થી પણ વધુ ઝાટકા મારીએ છીએ. હાથ દુખે છે પણ શું કરીએ મજબૂરી છે. સંગીત વાગે છે ત્યારે આનંદમાં ખબર પડતી નથી. મારી એક છોકરી અને એક છોકરો છે તેઓ ભણવા માટે જાય છે. અહીં જે પણ કમાણી થાય છે આખા વર્ષ દરમિયાન બાળકો ઉપર અમે ખર્ચ કરીએ છીએ.

  1. 6 વર્ષીય ખેડૂત પુત્ર કુડો માર્શલ આર્ટ એશિયા કપમાં ભારતનું નામ રોશન કરવા જઈ રહ્યો છે
  2. પેન્ટાગોનથી પણ વિશાળ એવા સુરત ડાયમંડ બુર્સના મુલાકાતીઓને કેમ થઈ રહી છે માથાના દુખાવા અને બેચેની જેવી તકલીફો ??? કારણ જાણો

ABOUT THE AUTHOR

...view details