પાદવાની પ્રવૃત્તિને સમાજે એક શરમજનક પ્રવૃત્તિ તરીકે ગણાવી છે. જોકે આ ઉમદા પ્રવૃત્તિને નિખારવા માટે સુરતના બે યુવાન સામે આવ્યા છે. યતીન સંગોઈ અને મૂલ સંઘવી દેશમાં પ્રથમવાર પાદવાની સ્પર્ધા યોજવા જઈ રહ્યા છે. સાંભળીને કાન ઉપર વિશ્વાસ થશે નહીં, પરંતુ અમે જણાવી દઈએ કે દેશમાં પ્રથમ વાર એક ઇવેન્ટ થવા જઈ રહી છે. જ્યાં ખુલ્લેઆમ શરમ વગર પાદી શકાશે.
"હવા છોડવાની અનોખી સ્પર્ધા યોજાશે", "WHAT THE FART" - paddling competition
સુરતઃ જો તમે પાદવામાં નિપુણ છો અને અત્યાર સુધી તમે તમારી આ કળાને જગ જાહેર કરવાની તક મળી નથી તો આવા લોકો માટે ખુશ ખબરી છે. સુરત ખાતે દેશભરમાં પ્રથમ વખત નેશનલ લેવલની ઓપન પાદ સ્પર્ધા એટલે કે જાહેરમાં પાદવાની સ્પર્ધા યોજાઈ રહી છે. જેમાં ધુરંધરો મોટે મોટેથી પાદીને પોતાની પાદ ક્ષમતા અને કાબિલિયતનું પ્રદર્શન કરશે. એટલુ જ નહીં આ પાદવાની જુદી જુદી કેટગરીમાં તમે પ્રથમ ટ્રોફી પણ પ્રાપ્ત કરી શકો છો.
આ અનોખી સ્પર્ધાના આયોજક યતીને જણાવ્યું કે એક દિવસ પરિવાર સામે જોરથી પાદયું અને પરિવારના લોકો મજાક કરી હસવા લાગ્યા, ત્યારે તેઓને વિચાર આવ્યો કે લોકોને તક આપવામાં આવે કે લોકો શરમ છોડી જાહેરમાં પાદી શકે. જેથી તેઓએ પોતાના મિત્ર મૂલ સંઘવી સાથે મળી પાદના નિષ્ણાંતો કે જેઓ અત્યાર સુધી મોઢું છુપાવી એકલામાં જઈ પાદતા હતાં. તેઓને એક પ્લેટફોર્મ પર લઇ આવવામાં આવે. લોકો રજિસ્ટ્રેશન કરી રહ્યા છે. દેશભરમાંથી ફોન આવી રહ્યા છે અને લોકો આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છા બતાવી રહ્યા છે. યતીને જણાવ્યું હતું કે, અત્યારસુધી 100થી વધુ રજિસ્ટ્રેશન થઈ ગયા છે.