સુરત : શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા મકાનોમાં ફાળો માંગવાના બહાને એકલવયી મહિલાને નિશાન બનાવી છળ કપટથી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમ પડાવી લેતી મહિલા આરોપીઓની ગેંગને ડીંડોલી પોલીસે ઝડપી પાડી છે.
સુરતમાં વિધિ કરવાના નામે સોના-ચાંદીના ઘરેણાં સહિત રોકડ રકમ પડાવી લેતી મહિલા ચોર ગેંગ ઝડપાઇ
ફાળો માગવાના બહાને ઘરમાં ઘૂસી બાદમાં વિધિ કરવાના નામે મહિલાઓ પાસેથી સોના-ચાંદીના ઘરેણાં સહિત રોકડ રકમ પડાવી લેતી મહિલા ચોર ગેંગને સુરતની ડીંડોલી પોલીસે ઝડપી પાડી ચાર જેટલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. મહીલા આરોપીઓ પાસેથી પોલીસે છળકપટથી મેળવેલ સોના-ચાંદીના ઘરેણાં તેમજ સાડીઓ મળી કુલ દસ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. એટલું જ નહીં પોલીસના હાથે ઝડપાયેલી ચારે મહિલા આરોપીઓ મુસ્લિમ છે અને હિન્દૂ મહિલાઓના નામ બદલી ગુનાને અંજામ આપતી હતી. રિમાન્ડ દરમિયાન સિત્તેર જેટલા ગુનાનો ભેદ ઉકેલાઈ તેવી શકયતા પોલીસે વ્યક્ત કરી છે.
આ તકે ડીંડોલી પોલીસને માહિતી મળી હતી કે ચાર જેટલી મહિલાઓ ડીંડોલી વિસ્તારમાં પોતાના ગુનાને અંજામ આપવા ફરી રહી છે. જે મહિલાઓ ખાસ પરપ્રાંતીય મહિલાઓને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં તેમજ રોકડ રકમ પડાવી લે છે. ફાળો માંગવાના બહાને સૌ પ્રથમ પ્રવેશ કરી બાદમાં વિધિ કરવા માટે મહિલા ચોર ગેંગ જણાવતી હતી. જો કે વિધિ નહીં કરશે તો પરિવાર અને ઘર પર મોટું સંકટ આવશે તેવો ભય મહિલાને બતાવી સંમોહન કરી લેતી હતી. જ્યાં મહિલાઓને પોતાની વાતોમાં અને વિશ્વાસમાં લઇ સોના-ચાંદીના ઘરેણાં તેમજ રોકડ રકમ આ ગેંગ પડાવી લેતી હતી. એટલું જ નહીં પરંતુ વિધિ અંગે જો કોઈને આ વિશે વાત કરશે તો તેણીના પતિ અને બાળકોના મોત થઈ જશે તેવો ભય બતાવતી હતી.
આ સમગ્ર હકીકત બાદ પોલીસે વોચ ગોઠવી પોલીસ મથક હદ વિસ્તારમાંથી ચાર જેટલી મહિલાઓને ઝડપી પાડી તપાસ શરૂ કરી હતી. મહિલા ચોર ગેંગ પાસેથી પોલીસને સોના-ચાંદીના ઘરેણાં તેમજ સાડીઓ મળી કુલ દસ લાખથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે તમામ મુદ્દામાલ અંગેની પૂછપરછ કરતા અત્યાર સુધીમાં સુરતના ચાર પોલીસ મથકમાં હદ વિસ્તારમાં આ પ્રમાણેના ગુનાને અંજામ આપી ચુક્યા હોવાની કબૂલાત ગેંગની મહિલાઓએ કરી હતી. જેમાં ડીંડોલી, પલસાણા, પાંડેસરા સહિત લીંબાયત પોલીસની હદમાં મહિલા ગેંગ પોતાના ગુનાને અગાઉ અંજામ આપી ચુકી છે.
પોલીસ પૂછપરછમાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી. જેમાં ઝડપાયેલી તમામ મહિલાઓ મુસ્લિમ છે અને હિન્દૂ મહિલાઓના નામ બદલી પોતાના ગુનાને અંજામ આપતી હતી. જ્યાં ચોક્કસ માત્રને માત્ર પરપ્રાંતીય મહિલાઓને જ નિશાન બનાવતી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગ દ્વારા હમણાં સુધી પંદર જેટલા ગુના આચરવામાં આવ્યા છે. જેમાં લીંબાયત, ખટોદરા, ઉધના, પાંડેસરા જેવા વિસ્તારોમાં પોતાની મોડ્સ ઓપરેન્ડીથી આવા અસંખ્ય ગુનાને અંજામ આપી ચુકી છે.
પોલીસના હાથે ઝડપાયેલી ગેંગમાં સામેલ ફરઝાના ભતું ઉર્ફે નસીમ અહમદ કંઠું અન્સારી સુરતના લીંબાયત સ્થિત ગોડાદરાની રહેવાસી છે. જ્યારે ગોહુ નૂર મહમદ અન્સારી ગોડાદરાના આસપાસ નગર વિસ્તારની રહેવાસી છે. આ સાથે જ સહોદરા ઉર્ફે ખેરું નિશા રસીદ અબ્દુલ ઉર્ફે કલ્લુ મુરલી અન્સારી સહિત નાઝમાં ઉર્ફે મીના ગુલ મોહમ્મદ તેઢઇ પણ લીંબાયત ગોડાદરા વિસ્તારની રહેવાસી છે. આ ગેંગની તમામ મહિલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરી છે. મહિલા આરોપીઓની પૂછપરછમાં સિત્તેર જેટલા અન્ય ગુણ ઉકેલાય તેવી શકયતા પોલીસે જાતે વ્યક્ત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરત પોલીસ ચોપડે આવા અનેક ગુનાઓ નોંધાયેલ છે, જે હાલ પણ ડીટેકટ છે, ત્યારે આ ગુનાઓ સાથે પણ મહિલા ગેંગની સંડોવણી છે કે કેમ જેની તપાસ હાલ ડીંડોલી પોલીસ કરી રહી છે. મહિલા આરોપીઓના રિમાન્ડ દરમિયાન અન્ય ગુના ઉકેલાઈ તે વાત નકારી શકાય તેમ નથી.