ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતના બારડોલીમાં વાંસકુઈ આરોગ્ય કેન્દ્રના ડ્રાઈવર ભેદી સંજોગોમાં ગુમ

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાંસકુઇ ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડ્રાઇવર ગુમ થઈ જતાં બારડોલી પોલીસ મથકમાં ગુમ જાણવા જોગ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુમ થનાર ડ્રાઇવરનો શોધખોળ શરૂ કરી છે.

સુરતના બારડોલીમાં વાંસકુઈ આરોગ્ય કેન્દ્રના ડ્રાઈવર અચાનક જ ગુમ
સુરતના બારડોલીમાં વાંસકુઈ આરોગ્ય કેન્દ્રના ડ્રાઈવર અચાનક જ ગુમ

By

Published : Feb 4, 2021, 1:54 PM IST

  • સુરતના બારડોલી તાલુકાના વાંસકુઈ ગામના એક વ્યક્તિ ગુમ
  • ગુમ થયેલા વ્યક્તિ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડ્રાઈવર હતા
  • સુરાલી દૂધ મંડળીમાં દૂધ ભરવા ગયા ત્યારથી ઘરે પરત ન ફર્યા
  • ફોન પણ સાથે ન લઈ ગયા હોવાથી શોધખોળ કરવી અઘરી બની

બારડોલી: બારડોલી તાલુકામાં વાંસકુઈ ગામમાં રહેતા અને ગામના જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા એક આધેડ દૂધ ભરવા ગયા ત્યારથી ગાયબ હતા. તેમના પરિવારે તેમના ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી.

નોકરી પરથી પરત આવ્યા બાદ દૂધ ભરવા ગયા હતા

બારડોલી તાલુકાના વાંસકુઈ ગામના નિર્મળાધામ ફળિયામાં રહેતા અનિલ માનસિંગભાઈ ચૌધરી (ઉં.વ.50) ગામમાં જ આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. 27મી જાન્યુઆરીએ તેઓ નોકરીથી પરત ઘરે આવ્યા હતા. ત્યારબાદ સાંજે 6 વાગ્યાના સુમારે સુરાલી ગામની દૂધ મંડળીમાં દૂધ ભરવા મોટર સાયકલ નંબર જીજે 19 એસ 1921 લઈને ગયા હતા. ત્યાંથી સાંજે સવા સાત વાગ્યાની આસપાસ કોઈને પણ કહ્યા વગર મોટર સાયકલ પર નીકળી ગયા હતા.


મોડે સુધી પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી

મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી, પરંતુ બે ચાર દિવસ બાદ પણ તેમનો કોઈ પત્તો ન મળતા પરિવારજનોએ બારડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ગુમ થનારા અનિલભાઈ ચૌધરીએ શરીરે લાઈનિંગવાળું લાંબી બાયની શર્ટ તથા કમરે કાળા રંગનો પેન્ટ પહેર્યું હતું. તેમની ઊંચાઈ 5 ફૂટ અને રંગે શ્યામ વર્ણના અને ઉંમર 50 વર્ષની આસપાસ છે. ચહેરા પર જમણી બાજુ મૂછ પર કાળા રંગનું મસાનું નિશાન છે અને નંબરવાળા ચશ્મા પહેરે છે. તેઓ ગુજરાતી અને આદિવાસી ભાષા બોલી શકે છે.

કોલ ડિટેલના આધારે તપાસ શરૂ

મઢી આઉટપોસ્ટના જમાદાર સંજય સાંડસૂરે જણાવ્યુ હતું કે, પરિવારજનો તરફથી મળેલી ફરિયાદના આધારે શોધખોળ શરૂ કરી છે. હજી સુધી કોઈ પત્તો લાગ્યો નથી. ફોન ઘરે મુકી ગયા હોવાથી લોકેશન ટ્રેસ થઈ શકે એમ નથી. હાલ કોલ ડિટેલ મેળવવાની તજવીજ હાથ ધરી ગુમ થનારની શોધખોળ કરાઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details